- યસ બેંકની મુશ્કેલીમાં થયો વધારો
- સેબીએ યસ બેંકને એટીવન બોન્ડ મામલામાં 25 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો
- આ રકમ બેંકે 45 દિવસમાં જમા કરવી પડશે
નવી દિલ્હી: યસ બેંકની મુશ્કેલીમાં વધારો થયો છે. સ્ટોક માર્કેટ નિયામક સેબીએ હવે એટી વન બોન્ડના મામલામાં યસ બેંકને 25 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ રકમ બેંકે 45 દિવસમાં જમા કરવી પડશે.
જાણકારો અનુસાર, ગ્રાહકો પર તેની અસર નહીં થાય પરંતુ શેરના ભાવમાં કદાચ ઘટાડો નોંધાઇ શકે છે. શેરના ભાવ ઘટવાથી રોકાણકારોને નુકસાન થઇ શકે છે. યસ બેંકને બચાવવા માટે ગત વર્ષે માર્ચ મહિનામાં એસબીઆઇની આગેવાની હેઠળ બેંકોના એક જૂથ દ્વારા સહાય કરવામાં આવી હતી. જેના ભાગરૂપે બેંકના એટીવન બોન્ડ બંધ કરાયા હતા.
જો કે તેમાં રોકાણ કરનારાઓનો આક્ષેપ હતો કે, બેંક દ્વારા ખોટા વાયદા કરીને બોન્ડ વેચવામાં આવ્યા છે. આ માટે રોકાણકારોને વળતર મળવું જોઇએ. આ મામલો અત્યારે હાઇકોર્ટમાં છે. યસ બેંક તેમજ RBIનું કહેવું છે કે, એટીવન બોન્ડ નિયમો પ્રમાણે જ છે.
આપને જણાવી દઇએ કે એટીવન બોન્ડ સ્થાયી બોન્ડ હોય છે. જેની એક્સપાયરી ડેટ હોતી નથી. બેંકો દ્વારા મૂડી ઉભી કરવા માટે આ પ્રકારના બોન્ડ બહાર પાડવામાં આવતા હોય છે. જેને RBI દ્વારા રેગ્યુલેટ કરાય છે.
(સંકેત)