- સેબીએ નાના રોકાણકારોના હિતને ધ્યાનમાં રાખીને લીધો નિર્ણય
- સેબીએ ડિલિસ્ટિંગ માટેના નિયમો વધુ સરળ અને પારદર્શી બનાવ્યા
- સેબીએ ડિલિસ્ટિંગ પ્રક્રિયામાં પારદર્શિતા તેમજ કાર્યક્ષમતા વધારવા માટે કેટલાક નિયમોમાં ફેરફાર કર્યો
નવી દિલ્હી: માર્કેટમાં કંપનીઓના ડિલિસ્ટિંગના વધતા જોરને ધ્યાનમાં રાખતા થોડાક સમય પહેલા સેબીએ ડિલિસ્ટિંગ માટેના નિયમો કડક કર્યા હતા જો કે બાદમાં સોમવારે સેબીએ ફરી નાના રોકાણકારોના હિત જળવાઇ રહે તે માટે ડિલિસ્ટિંગ નિયમોમાં ફેરફાર કર્યો છે.
સેબીએ ડિલિસ્ટિંગ પ્રક્રિયામાં પારદર્શિતા તેમજ કાર્યક્ષમતા વધારવા માટે કેટલાક નિયમોમાં ફેરફાર કર્યો છે. નિયમોમાં ફેરફાર કરતા માર્કેટ નિયામક સેબીએ કહ્યું હતું કે, હવે સ્વતંત્ર ડિરેક્ટરોએ ડિલિસ્ટિંગની દરખાસ્ત અંગે તર્કસંગત ભલામણ આપવી પડશે અને પ્રમોટરોએ જાહેર કરવું પડશે કે ડિલિસ્ટિંગ પાછળ તેમનો ઇરાદો શું છે.
સેબીએ આ નિયમોને અધિકૃત કરવા માટે 10મી જૂને લિસ્ટિંગ અંગેના કાયદામાં સુધારો કર્યો છે અને તે અંગે પરિપત્ર પણ બહાર પાડ્યો છે.
મહત્વનું છે કે, અગાઉ પણ આ પ્રક્રિયાને વધુ પારદર્શક અને કાર્યક્ષમ બનાવવા માટે સેબીના બોર્ડે માર્ચ મહિનામાં ડિલિસ્ટિંગના ધારાધોરણોમાં અનેક સુધારાઓને મંજૂરી આપી હતી. નવા નિયમો અનુસાર ડિલિસ્ટિંગ પ્રક્રિયા માટેની સમયરેખા પણ અગાઉથી જ રજૂ કરવા માટે કંપનીઓએ આદેશ કર્યો છે.