Site icon Revoi.in

કોરોનાની બીજી લહેરથી દેશની 58% કંપનીઓના કારોબારને થઇ પ્રતિકૂળ અસર

Social Share

નવી દિલ્હી: કોરોનાની બીજી લહેર દરમિયાન દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ પ્રતિબંધો લાગૂ કરવામાં આવ્યા હતા જેને કારણે દેશની આર્થિક ગતિવિધિઓને બ્રેક લાગી હતી અને એ જ કારણોસર 58 ટકા જેટલી કંપનીઓના વેપાર પર પ્રતિકૂળ અસર પડી હતી. જો કે આગામી દિવસોમાં કંપનીઓ રિકવરીની પણ આશા સેવી રહી છે. ફેડરેશન ઑફ ઇન્ડિયન ચેમ્બર્સ ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં આ કહેવામાં આવ્યું હતું.

વર્તમાન સમયમાં મોટા ભાગની આર્થિક ગતિવિધિઓને બ્રેક લાગી ગઇ હોવાથી લોકોની આવકને અસર થઇ છે અને તેને કારણે માગ પણ ઘટી છે. આ એક મોટો પડકાર છે તેવું કંપનીઓ જણાવે છે.

આ સમય દરમિયાન શહેરમાં માગને ફટકો પડ્યો છે તો બીજી તરફ સર્વેમાં ભાગ લેનારી 37 ટકા કંપનીઓએ ગ્રામ્ય વેચાણમાં ગંભીર ફટકો પડ્યો હોવાનું જણાવ્યું હતું.

જો કે હવે કોરોનાના કેસ ઘટી રહ્યા છે અને અનલોક પ્રક્રિયા ફરી શરૂ થવાથી વેપાર અને આર્થિક પ્રવૃત્તિઓ તબક્કાવાર ફરી સામાન્ય થઇ રહી છે ત્યારે હવે ફરીથી રિકવરીની આશા છે.

સર્વેમાં ભાગ લેનારી કુલ કંપનીઓમાંથી 63 ટકા કંપનીઓએ આગામી 6 થી 12 મહિનામાં ક્ષમતા ઉપયોગીતા વધી 70 ટકાને પાર થવાની આશા વ્યક્ત કરી હતી. 40 ટકા જેટલી કંપનીઓએ સ્થાપિત ક્ષમતાના 50 ટકાથી પણ નીચે કામ કરી રહ્યાનું જણાવ્યું હતું.

અન્ય એક અહેવાલ પ્રમાણે જુનના પ્રથમ પખવાડિયામાં ફાસ્ટ મુવિંગ કન્ઝયૂમર ગુડસ (એફએમસીજી)ના વેચાણમાં એપ્રિલની સરખામણીએ 15 ટકા વધારો થયાનું જણાવાયું હતું.