Site icon Revoi.in

રોકાણકારો આજે પોક મૂકીને રડ્યા, સેન્સેક્સ 1700 પોઇન્ટ તૂટતા માત્ર 10 મિનિટમાં જ 10 લાખ કરોડ ગુમાવ્યા

Social Share

નવી દિલ્હી: આજે શેરબજાર ઊંધા માથે પછડાયું છે અને રોકાણકારોને આજે રાતાં પાણીએ રડાવ્યા હતા.

કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે જ શેરબજાર પત્તાના મહેલની માફક કડડભૂસ થયું હતું અને સેન્સેક્સમાં ટ્રેડિંગ દરમિયાન 1700 પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો. નિફ્ટી પણ 550 પોઇન્ટ તૂટ્યો હતો. રોકાણકારોને 10 લાખ કરોડનું નુકસાન થવા પામ્યું છે.

ઓમિક્રોનના વધતા કેસને કારણે રોકાણકારોમાં ચિંતાનો માહોલ છે. યુરોપના દેશોમાં કેસ સતત વધી રહ્યા છે. જો કેસ વધશે તો વ્યાવસાયિક ગતિવિધિઓ ઠપ થઇ જશે. આવી સ્થિતિમાં આર્થિક વૃદ્વિનું પૈડુ ફરી એક વાર થંભી જવાની પણ ભીતિ છે.

યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વે ફુગાવા સામે લડવા માટે 2022ના અંત સુધીમાં ત્રણ વખત વ્યાજદરમાં વધારો કરવાનો સંકેત આપ્યો છે. આવી સ્થિતિમાં રોકાણકારોની ચિંતા વધી ગઈ છે.

નિષ્ણાતો મત વ્યક્ત કરી રહ્યા છે કે ફેડરલ રિઝર્વ બાદ હવે અન્ય સેન્ટ્રલ બેંકો પણ કડક વલણ અપનાવી શકે છે. કોવિડ-19 શરૂ થયો ત્યારથી બેંક ઑફ ઇંગ્લેન્ડ વ્યાજદરોમાં વધારો કરનાર પ્રથમ મુખ્ય બેંક બની.

નોર્વેએ આ વર્ષે 16 ડિસેમ્બરે કોવિડ પ્રતિબંધોના વિસ્તરણ છતાં બીજી વખત દર વધાર્યા હતા, જ્યારે રશિયાએ આ વર્ષે 17 ડિસેમ્બરના રોજ સાતમી વખત તેનો નીતિ દર વધાર્યો હતો. આવી સ્થિતિમાં ભારતમાં દરો વધવાની શક્યતાઓ પણ વધી ગઈ છે.

વિશ્વના વિકસિત દેશોની મધ્યસ્થ બેંકોની નીતિઓ છેલ્લા કેટલાક સમયથી કડક જોવા મળી રહી છે જેની પ્રત્યક્ષ અસર ભારતના બજારો પર પડસે અને તે નફાકારક રહેશે નહીં. તેથી જ વિશ્વભરના મોટા રોકાણકારો હવે ભારતના શેરબજારમાંથી પૈસા ઉપાડી રહ્યા છે.