Site icon Revoi.in

RBIના ઇકોનોમીમાં ઝડપી રિકવરીના સંકેતથી શેરબજારમાં તેજીનો તરખાટ, સેન્સેક્સ પ્રથમવાર 45,000ને પાર

Social Share

મુંબઇ: ભારતીય રિઝર્વ બેંક દ્વારા શુક્રવારના રોજ મોનેટરી પોલિસી અંગે જાહેરાત કરાઇ હતી. જેમાં વ્યાજદરોમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. જો કે રિઝર્વ બેંકે અર્થતંત્રમાં ઝડપી રિકવરીના સંકેતો આપતા ભારતીય શેરમાર્કેટમાં ઉછાળો જોવા મળ્યો હતો. જેને લઇને સેન્સેક્સ ઇતિહાસમાં પ્રથમવાર 45,000ના આંકડાને પાર કરી ગયો છે.

શેરબજારમાં કારોબાર દરમિયાન સેન્સેક્સ 45,023.79 સુધી ઉછળ્યો હતો. શુક્રવારે શેરબજારની શરૂઆત સપાટ જોવા મળી હતી. સેન્સેક્સ માત્ર 33 પોઇન્ટના વધારા સાથે 44,665.91 પર ખૂલ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જની નિફ્ટી 13 પોઇન્ટની તેજી સાથે 13,177 પર ખુલી હતી.

જો કે RBIની મોનેટરી પોલિસી જાહેર થયા બાદ સેન્સેક્સ પ્રથમવાર 45,000ની સપાટીને સ્પર્શ્યો હતો. આમ આજે સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં તેજીનો તરખાટ જોવા મળ્યો હતો.

આપને જણાવી દઇએ કે મંગળવારથી ચાલી રહેલી MPC બેઠકના પરિણામો આવી ગયા છે. RBI દ્વારા વ્યાજદરોમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યા નથી. મોંઘવારીના ઉચ્ચ સ્તરને ધ્યાનમાં રાખતા આરબીઆઇ દ્વારા વ્યાજદરો યથાવત્ રાખવામાં આવ્યા છે.

નોંધનીય છે કે, હાલમાં રેપોરેટ 4 ટકા અને રિવર્સ રેપોરેટ 3.35 ટકા છે. કેશ રિઝર્વ રેશિયો 3 ટકા અને બેંક રેટ 4.25 ટકા છે.

(સંકેત)