- કોરોના વેક્સીનને લઇને સકારાત્મક સંકેતો બાદ શેરબજારમાં તેજી
- શેર માર્કેટ 600 પૉઇન્ટના ઉછાળા સાથે 43 હજારને પાર
- NSE નિફ્ટી પણ 12,600 પર ટ્રેડ કરી રહ્યું છે
મુંબઇ: Pfizerની કોરોના વેક્સીન ટ્રાયલમાં 90 ટકા અસરકારક સાબિત થયા બાદ કોરોના વેક્સીનને લઇને સકારાત્મક સંકેતો પાછળ વૈશ્વિક બજારોમાં તેજીનું વલણ જોવા મળ્યા બાદ ભારતના શેર માર્કેટમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. ગઇકાલે એક રેકોર્ડ તોડ્યા બાદ આજે બજારે વધુ એક રેકોર્ડ બનાવ્યો છે.
શેર માર્કેટમાં 600 પોઇન્ટના ઉછાળા સાથે સેન્સેક્સ 43,248ની સપાટીએ પહોંચ્યો હતો જ્યારે NSE નિફ્ટી 12,600ની ઉપર ટ્રેડ કરી રહ્યું છે.
કેટલાક શેર્સ પર નજર કરીએ તો બજાજ ફાઇનાન્સ, ઇન્ડસઇન્ડ બેંક, બજાજ ફિનસર્વ, SBI, L&T, ICICI બેંકમાં સારો ઉછાળો જોવા મળ્યો છે. NSE પ્લેટફોર્મની વાત કરીએ તો PSU બેંક અને બેંકમાં તેજી જોવા મળી છે.
મહત્વનું છે કે, સોમવારે સેન્સેક્સ 704 પોઇન્ટની તેજી સાથે બંધ થયું હતું અને 42,597 સાથે નવી ટોચ પર પહોંચ્યું હતું. જ્યારે નિફ્ટી 198 પોઇન્ટ કે 1.61 ટકા સાથે 12,461 પર ઓલ ટાઇમ હાઇ જોવા મળી હતી.
નોંધનીય છે કે આજે, બિહારની ચૂંટણીનું પરિણામ આવી રહ્યું છે ત્યારે બાકીના દિવસોમાં અને આવતીકાલે માર્કેટ પર આ પરિણામની અસર જોવા મળશે તે ચોક્કસ છે. બીજી તરફ કોરોના વેક્સીનને લઇને જો કોઇ અપડેટ આવે તો તેની પણ બજાર પર અસર જોવા મળશે.
(સંકેત)