- ત્રણ દિવસમાં સેન્સેક્સમાં 1800 પોઇન્ટનો કડાકો
- રોકાણકારોના 6.50 લાખ કરોડ સ્વાહા
- આજે પણ માર્કેટમાં કડાકો
મુંબઇ: આ કારોબારી સપ્તાહ દરમિયાન સેન્સેક્સની રોનક ફિક્કી પડી છે અને માત્ર ત્રણ દિવસમાં જ સેન્સેક્સમાં 1800 પોઇન્ટનો કડાકો બોલી ગયો છે. આજે પણ નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે સ્થાનિક શેરબજારમાં વેચવાલી જોવા મળી છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સ ટ્રેડિંગમાં નબળા સ્તરે બંધ થયા છે. ટ્રેડિંગમાં નિફ્ટી પર સૌથી મોટી નબળાઇ IT અને ફાર્મા ઇન્ડેક્સમાં જોવા મળી છે.
આજે ટ્રેડિંગ દરમિયાન બેંક, ઓટો અને ફાઇનાન્સિયલ ઇન્ડેક્સ આજે નબળા પડ્યા છે. માત્ર મેટલ અને રિયલ્ટી ઇન્ડેક્સ જ લીલા નિશાન ઉપર બંધ થવામાં સફળ રહ્યાં છે. FMCG ઇન્ડેક્સ પણ 1 ટકાથી વધુ ઘટ્યો છે. લાર્જકેપ શેર્સમાં નબળાઇ જોવા મળી છે. આજના ટોપ ગેનર્સમાં પાવરગ્રિડ, ભારતી એરટેલ, એશિયન પેઇન્ટ, મારૂતિ અને ICICI બેંક છે.
આજના કારોબારી દિવસ દરમિયાન સેન્સેક્સ 53 પોઇન્ટ ઘટીને 600.45 પર ખુલ્યો હતો. પ્રથમ કલાકમાં તે 600,45 ના ઉપલા સ્તર અને 59,143ના નીચલા સ્તરે પહોંચ્યું હતું. સેન્સેક્સના 190 શેર્સ અપર સર્કિટમાં અને 227 લોઅર સર્કિટમાં ટ્રેડ થયા હતા. લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 273.46 લાખ કરોડ છે જે ગઇકાલે રૂ.274.91 લાખ કરોડ હતું.
મહત્વનું છે કે, છેલ્લા ત્રણ દિવસમાં સેન્સેક્સમાં 1800 પોઇન્ટ સુધીનો કડાકો બોલી ગયો છે. ત્રણેય દિવસમાં 500-500 પોઇન્ટથી વધુનો ઘટાડો થયો છે. મંગળવારે તે 554 પોઇન્ટ, બુધવારે 656 પોઇન્ટ તેમજ આજે 634 પોઇન્ટ ઘટ્યો હતો. આ દરમિયાન રોકાણકારોના લગભગ 6.5 લાખ કરોડ રૂપિયા સ્વાહા થઇ ગયા હતા.