Site icon Revoi.in

સપ્તાહના પ્રથમ દિવસે જ શેરબજાર ધ્વસ્ત, રોકાણકારોના રૂ.5.19 લાખ કરોડ સ્વાહા

Social Share

નવી દિલ્હી: આજે કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે જ શેરબજારમાં 1200 પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો. નિફ્ટી પણ 250 પોઇન્ટથી વધુ તૂટ્યો હતો.

વિશ્વમાં ઓમિક્રોન વેરિએન્ટના વધતા કેસો અને પશ્વિમી દેશોમાં ફરીથી ગંભીર સ્થિતિનું નિર્માણ થવાને કારણે વૈશ્વિક શેરબજારોમાં કડાકો બોલી રહ્યો છે. તેની અસર સોમવારે ભારતીય શેરબજાર પર પણ જોવા મળતા તે ખુલતા જ કડડભૂસ થઇ ગયો હતો. સેન્સેક્સ અને નિફ્ટી બંને પોતાની રેકોર્ડ હાઇથી 10 ટકા નીચે પહોંચી ગયા છે અને બંને હાલ કરેક્શન ઝોનમાં છે.

શેરબજારમાં 1200 પોઇન્ટનો કડાકો બોલતા રોકાણકારોને રોવાનો વારો આવ્યો હતો અને તેઓના રૂ.5.19 લાખ કરોડ સ્વાહા થઇ ગયા હતા. તેમની સંપત્તિ BSE લિસ્ટેડ કંપનીઓના કુલ માર્કેટ કેપમાં પ્રતિબિંબિત થઇને રૂ.254.08 લાખ કરોડ થઇ હતી.

બજાર વિશ્લેષકો અનુસાર, સતત વધતો ફુગાવો, ઓમિક્રોનના કેસમાં વધારો, FII દ્વારા સતત વેચવાલી જેવા પરિબળોને કારણે બજારમાં મંદીનું તોફાન જોવા મળી રહ્યું છે. જો  આ નકારાત્મક પરિબળો આગળ પણ જોવા મળશે તો બજારમાં મંદીનું મોજુ ફરી વળશે તેવી પણ શક્યતા નકારી શકાય નહી.

સવારે સેન્સેક્સ 1063 પોઈન્ટના કડાકા સાથે 55,948.36 પર ટ્રેન્ડ કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 314 પોઈન્ટના કડાકા સાથે 16,671.05 પર ટ્રેન્ડ કરી રહ્યો હતો.

નોંધનીય છે કે, રેડ ઝોનમાં ખૂલ્યા બાદ બેન્ચમાર્ક સૂચકાંકો વધુ નીચા ગયા હતા. સવારે 9.31 વાગ્યે, BSE ફ્લેગશિપ સેન્સેક્સ 1,072 પોઈન્ટ્સ અથવા 1.82 ટકા ઘટીને 55,939 પર હતો. NSE બેન્ચમાર્ક નિફ્ટી 325 પોઈન્ટ અથવા 1.92 ટકા ઘટીને 16,960 પર આવી ગયો છે.