- દેશમાં અનલોકની પ્રક્રિયા બાદ ગતિવિધિઓ પૂર્વવત થતા અર્થતંત્રમાં તેજીનો માહોલ
- સપ્ટેમ્બર માસમાં સર્વિસ સેક્ટરની પ્રવૃત્તિઓમાં સુધારો જોવા મળ્યો
- વ્યાપારની સ્થિતિ ધીરે ધીરે સામાન્ય થઇ રહી છે: સર્વે
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે દેશભરમાં લોકડાઉન બાદ ચાલુ કરેલી અનલોક પ્રક્રિયા બાદ અનેક આર્થિક ગતિવિધિઓ પૂર્વવત થતા સપ્ટેમ્બર માસમાં સર્વિસ સેક્ટરની પ્રવૃત્તિઓમાં સુધારો જોવા મળ્યો છે. જો કે અમુક પ્રતિબંધો યથાવત્ રહેતા કંપનીઓના આવક ઘટી હોવાથી કંપનીઓએ નોકરીમાં કાપ મૂકવાનું ચાલુ રાખ્યું છે. એક સર્વે એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થામાં વ્યાપારની સ્થિતિ ધીરે ધીરે સામાન્ય થઇ રહી હોવાનું સૂચવે છે.
નિક્કેઇ વિશે વાત કરીએ તો નિક્કેઇ/IHS માર્કિટ સર્વિસ પર્ચેજીંગ મેનેજર્સ ઇન્ડેક્સ અનુસાર સર્વિસ બિઝનેસ એક્ટિવિટી ઇન્ડેક્સ સપ્ટેમ્બરમાં 49.8 થઇ ગયો છે જે ઑગસ્ટમાં 41.8 હતો. જો આ ઇન્ડેક્સ 50થી વધુ હોય તો અર્થતંત્રમાં સુધારો અને નીચે હોય તો અર્થતંત્રમાં મંદી સૂચવે છે.
આ સર્વેમાં ભાગ લેનાર વ્યવસાયિકોએ જણાવ્યું હતું કે નવા કામ અને રોજગારમાં ઘટાડો નોંધાયો છે. જો કે તેઓએ એપ્રિલ બાદ પ્રથમ વખત વૃદ્વિ થવાનો અંદાજ રાખ્યો છે. IHS માર્કેટમાં અર્થતંત્રના એસોસિએટ ડાયરેક્ટર પોલીન્ના ડી લીમાએ જણાવ્યું હતું કે ભારતમાં લોકડાઉનના નિયમોમાં ઢીલ આપવાથી સપ્ટેમ્બરમાં સર્વિસ સેક્ટરની રિકવરીને આગળ વધવામાં મદદ મળી હતી.
બેકલોગ ડેટા અનુસાર ટૂંકાગાળા માટે લોકોને રોજગાર મળી શકે છે. જોકે જો રોજગારની શોધમાં લોકો પોતાના ઘરને છોડવા તૈયાર થાય તો અમે આગામી મહિનાઓમાં એક સારા રોજગારની પ્રવુતિ જોઈ શકીયે છીએ તેમ ડી લીમાએ કહ્યું હતું.
અત્રે નોંધનીય છે કે દેશનાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરની પ્રવુતિઓમાં સપ્ટેમ્બર દરમિયાન સતત બીજા મહિને સુધારો જોવા મળ્યો છે. એક માસિક સર્વે અનુસાર નવા ઓર્ડર અને ઉત્પાદનમાં વધારાને કારણે સપ્ટેમ્બરમાં મેન્યુફેક્ચરિંગ પ્રવુતિઓ 8 વર્ષની ટોચે પહોંચી ગઈ છે.
(સંકેત)