- ભારતમાં વધતા કેસ અને લોકડાઉનની દહેશતથી ભારતીય શેરમાર્કેટ ડગમગ્યું
- ભારતીય શેરમાર્કેટમાં કારોબારના પ્રથમ દિવસે જ 1438 પોઇન્ટનો કડાકો
- નિફ્ટીમાં પણ 350 પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો
મુંબઇ: ભારતમાં કોરોના મહામારીનો કહેર દિન પ્રતિદીન વધી રહ્યો છે. કોરોનાએ હવે શેરમાર્કેટને પણ પ્રતિકૂળ અસર કરી છે. સપ્તાહના પ્રથમ દિવસે જ માર્કેટમાં ભારે કડાકો બોલી ગયો હતો. સવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 635 પોઇન્ટના કડાકા સાથે 48,956.65 પર ખુલ્યો હતો. ત્યારબાદ સવારે 9.32 કલાકે 1438 પોઇન્ટના કડાકા સાથે 48,153.72ની સપાટીએ જોવા મળ્યો હતો.
બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીની વાત કરીએ તો તે 190 પોઇન્ટના ઘટાડા સાથે 14,644.65 પર ખુલી હતી. સવારે 9.35 કલાકે 350 પોઇન્ટના કડાકા સાથે નિફ્ટી 14,384.40એ પહોંચી ગઇ હતી.
માર્કેટમાં તમામ સેક્ટરના સૂચકાંક લાલ નિશાનમાં ચાલી રહ્યા છે. NSEમાં પ્રારંભિક કારોબારમાં 1181 શેર્સમાં ઘટાડો જ્યારે 386 શેર્સમાં તેજી જોવા મળી હતી. દેશમાં વધી રહેલા કોરોનાના કેસ તેમજ લોકડાઉનની દહેશતને કારણે શેરમાર્કેટમાં મંદીનું મોજું ફરી વળ્યું હતું. જો કે, આંતરરાષ્ટ્રીય માર્કેટમાંથી મિશ્ર પ્રકારના સંકેતો પ્રાપ્ત થઇ રહ્યા છે. એશિયન શેરમાર્કેટ સોમવારે નરમાશમાં ખુલ્યું હતું જ્યારે અમેરિકી માર્કેટ રવિવારે ઉંચાઇ પર બંધ થયું હતું.
ગત શુક્રવાર એટલે કે ગત સપ્તાહના છેલ્લા કારોબારી દિવસની વાત કરીએ તો શેરમાર્કેટ સ્થિરતા સાથે ખુલ્યું હતું. સવારે સેન્સેક્સ 3 પોઇન્ટના ઘટાડા સાથે 49,743.39 પર ખુલ્યો હતો. જો કે, સવારે 9.40 કલાક બાદ તે ગ્રીન નિશાનમાં પહોંચી ગયો હતો. ત્યારબાદ બજારમાં ઉતાર-ચઢાવ રહ્યો હતો.
(સંકેત)