- કોરોના સંકટ વચ્ચે પણ સ્માર્ટફોનનું ચલણ વધ્યું
- જૂન ક્વાર્ટરમાં સ્માર્ટફોનનું વેચાણ 82 ટકા વધ્યું
- વેચાણ 82 ટકા વધીને 3.3 કરોડ યુનિટે પહોંચ્યું
નવી દિલ્હી: કોરોનાના સંકટકાળ દરમિયાન પણ ભારતમાં સ્માર્ટફોનું ચલણ સતત વધ્યું છે જેની સાબિતી સ્માર્ટફોનના વેચાણ પરથી સ્પષ્ટ થઇ શકે છે. ભારતમાં સ્માર્ટફોનનું વેચાણ જૂન 2021ના ત્રિમાસિક ગાળામાં ગત વર્ષના એ જ સમયગાળાની તુલનામાં 82 ટકા વધીને 3.3 કરોડ યુનિટ પહોંચી ગયું છે. રિસર્ચ કંપની કાઉન્ટર પોઇન્ટે આ જાણકારી આપી છે. જો કે ત્રિમાસિક ગાળાના આધારે વેચાણમાં 14 ટકાનો ઘટાડો આવ્યો છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, કોવિડ-19ની બીજી લહેરને કારણે માર્ચ ત્રિમાસિક ગાળાની તુલનામાં જૂન ક્વાર્ટરમાં સ્માર્ટફોનનાં વેચાણમાં ઘટાડો આવ્યો. જો કે, સ્માર્ટફોન બજારની લડાયક ક્ષમતાને કારણે આ ઘટાડો અનુમાન કરતા ઓછો રહ્યો છે.
એપ્રિલ અને મે મહિનામાં સ્માર્ટફોનનું વેચાણ ઘટ્યું હતું. જો કે જૂન મહિનામાં બજારમાં માંગ ઓછી રહી હતી. ઓફલાઇન કેન્દ્રીત બ્રાન્ડના વેચાણ પર વધુ અસર થઈ હતી કારણ કે ગ્રાહકો ઓનલાઇન ખરીદીના મોડને પસંદ કરે છે.
તેમની સારી ઓનલાઇન પહોંચને કારણે શાઓમી અને રીયલમી જેવી બ્રાન્ડ વધુ વેચાણ નોંધાવી શક્યાં છે. સમીક્ષાધીન ક્વાર્ટરમાં ચીની બ્રાન્ડનો હિસ્સો 79 ટકા રહ્યો હતો. માર્કેટ શેરની વાત કરીએ તો, શાઓમી (પોકો સાથે) નો શેર 28.4 ટકા રહ્યો છે. જ્યારે, સેમસંગનો માર્કેટ શેર 17.7 ટકા, વિવો 15.1 ટકા, રિયલમી 14.6 ટકા અને ઓપ્પો 10.4 ટકા માર્કેટ શેર રહ્યો હતો.