- SBIએ ગ્રાહકોની સુરક્ષા માટે આ નિયમમાં કર્યો ફેરફાર
- SBIની YONO APPને લઇને કર્યો ફેરફાર
- હવે માત્ર એકાઉન્ટમાં કનેક્ટેડ નંબરથી જ એપમાં લૉગઇન થઇ શકશે
નવી દિલ્હી: દેશની સૌથી મોટી બેંક SBIના ગ્રાહકો માટે મહત્વના સમાચાર છે. SBIએ કેટલાક નિયમોમાં ફેરફાર કર્યો છે.
ગ્રાહકોના ખાતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને SBIએ કેટલાક ફેરફાર કર્યા છે. હવે SBI યોનો એપ્લિકેશન પર ગ્રાહક તે જ ફોન નંબરથી લૉગ ઇન કરી શકશે જે મોબાઇલ નંબર બેંક ખાતા સાથે કનેક્ટેડ હશે. આ પગલું ગ્રાહકોને ઑનલાઇન ફ્રોડથી બચાવવા માટે લેવામાં આવ્યું છે.
બેંકે પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલથી આ જાણકારી આપી છે. ગ્રાહક માત્ર પોતાના બેંકમાં આપેલા નંબરથી જ યોનો એપ્લિકેશનમાં લોગઇન કરી શકશે અને જ તે બીજા નંબરથી લૉગ ઇન કરવાનો પ્રયાસ કરશે તો ટ્રાન્ઝેક્શન નહીં થઇ શકે.
SBIના પ્લેટફોર્મ યોનો અને યોનો લાઇટ લોન્ચ કરવામાં આવ્યું છે. આ નવી સુવિધા દ્વારા ગ્રાહકોને સુરક્ષિત ઑનલાઇન બેંકિંગનો અનુભવ પ્રાપ્ત થશે. SBIએ કહ્યું કે હવે તેની સાથે ઑનલાઇન બેંકિંગ પહેલાં કરતા વધારે સુરક્ષિત બની ગઇ છે. આ માટે ગ્રાહકોએ લેટેસ્ટ યોનો લાઇટ એપ ડાઉનલોડ કરવી પડશે. સિમ બાઇન્ડિંગ સુવિધા દ્વારા સિંગલ ડિવાઇઝ લોગિન રજિસ્ટર્ડ મોબાઇલમાંથી માત્ર એક જ ડિવાઇઝ પર કરી શકાય છે. આ સાથે ઑનલાઇન બેંકિંગ સેવા વધુ સુરક્ષિત બની છે. એપને અપડેટ કરવા માટે ગ્રાહકોએ વન ટાઇમ રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.