- કોરોના કાળમાં સ્ટીલ સેક્ટરને પણ પડ્યો છે ફટકો
- સરકાર હવે સ્ટીલ સેક્ટરને આર્થિક સહાય પૂરી પાડશે
- સ્ટીલના સ્થાનિક ઉત્પાદનને વધારવા અપાશે પ્રોત્સાહન
કોરોના કાળ દરમિયાન લોકડાઉનને કારણે મોટા ભાગની આર્થિક ગતિવિધિઓ અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ ઠપ્પ થઇ જતા અનેક સેક્ટરને ફટકો પડ્યો હતો જેમાંથી સ્ટીલ સેક્ટર પણ બાકાત નથી. દેશની નિકાસમાં સ્ટીલ સેક્ટરનો મહત્વનો ફાળો છે ત્યારે આ સેક્ટરને રાહત આપવા માટે સરકારે આપેલ સ્કીમનો ઉપયોગ કરીને સ્થાનિક ઉત્પાદન વધારવા અંગે વિચારણા ચાલી રહી છે.
આયાત થતી સ્ટીલ ઉત્પાદનનું ભારણ ઘટાડીને ઘરેલું ઉત્પાદનને વધારવા માટે સ્ટીલ મંત્રાલય રૂ. 3346 કરોડની સહાય આપી શકે છે.
રાહત પેકેજ હેઠળ, પ્રોડકશન આધારિત ઈન્સેન્ટીવ સ્કીમ(PLI) હેઠળ જે સ્ટીલ પ્રોડક્ટનું દેશમાં ઓછું ઉત્પાદન થાય છે તેને સપોર્ટ આપીને આઉટપુટ વેલ્યુના 3થી 5.1% સુધીની સહાય સરકાર આપવા જઈ રહી છે. જેને પગલે સ્ટીલ કંપનીઓને રૂ. 2776 કરોડનું પેકેજ મળશે.
સ્ટીલ મંત્રાલયના એક રિપોર્ટ અનુસાર કોલ્ડ રોલ્ડ ગ્રેન ઓરિયેન્ટેડ સ્ટીલનું ઉત્પાદન દેશમાં વધારવા માટે સરકાર આગામી 5 વર્ષ માટે તબક્કાવાર મેન્યુફેક્ચરિંગ પ્રોગ્રામ હેઠળ પણ રૂ.570 કરોડનું પ્રોત્સાહન આપવા માટે કાર્યરત છે.
આપને જણાવી દઇએ કે ભારતે વર્ષ 2019-20માં 6.77 મિલિયન ટન સ્ટીલની આયાત કરી હતી, જે વર્ષ 2015-16માં 11.71 મેટ્રિક ટનથી ઓછું છે. છેલ્લા 5-7 વર્ષોમાં ભારતીય સ્ટીલ ઉત્પાદકો દેશમાં વપરાશમાં આવતા સ્ટીલના વિવિધ ગ્રેડના 95-98 ટકા ઉત્પાદન કરવાની ક્ષમતા ઉભી કરી છે.
નોંધનીય છે કે, ઓગષ્ટમાં ભારતે 822 મિલિયન ડોલરની સ્ટીલની આયાત કરી, જે પાછલા મહિનાની સરખામણીમાં 10% વધું છે. મૂલ્યની દ્રષ્ટિએ ઓગસ્ટ મહિનામાં આશરે 20% આયાત માત્ર ઓટોમોબાઈલ ક્ષેત્રની જ હતી. સીઆરજીઓનો ઉપયોગ મોટાભાગે ઇલેક્ટ્રિકલ સેક્ટરમાં થાય છે. આ નાણાકીય વર્ષમાં જુલાઈ સુધી ભારતની સીઆરજીઓ આયાત, 44,8૦૦ ટન રહી છે.
(સંકેત)