Site icon Revoi.in

કોરોનાનું ગ્રહણ: શેરમાર્કેટમાં 1300 પોઇન્ટનો કડાકો, રોકાણકારો ચિંતિત

Social Share

નવી દિલ્હી: કોરોનાની મહામારીને એક વર્ષ કરતાં વધુ સમય થઇ ચૂક્યો છે. જો કે તેમ છતાં હજુ પણ દેશ અને વિશ્વભરમાં કોરોનાને કહેર સતત વર્તાઇ રહ્યો છે. હાલ કોરોના વાયુવેગે પ્રસરી રહ્યો છે. એક તરફ કોરોના મહામારીને કારણે વેપાર-ધંધા પર પ્રતિકૂળ અસર થઇ છે તો બીજી તરફ ફરી એકવાર લોકડાઉનના એંધાણ વર્તાઇ રહ્યા છે. જેની સીધી અસર હવે શેરમાર્કેટ પર પડી રહી છે.

દેશમાં રવિવારે રેકોર્ડ 1 લાખ 3 હજાર 794 નવા સંક્રમિત મળ્યા છે. આ એક દિવસનો સૌથી મોટો આંકડો છે. આ પહેલાં 16 સપ્ટેમ્બર 97,860 નવા દર્દી મળ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 52,840 દર્દી સાજા થયા અને 477ના મોત થયા છે. કોરોનાના ગ્રહણને કારણે સેન્સેક્સ 1300 પોઈન્ટ ડાઉન થયો છે. જ્યારે નિફ્ટી 14600 પોઈન્ટની નીચે પહોંચી ગયો છે અને બોમ્બે સ્ટોક એક્સચેન્જના 64% શેરમાં ઘટાડો નોંધાયો છે. આ આંકડાઓએ વેપારીઓ અને ઉદ્યોગ સાહસિકોની ચિંતા વધારી દીધી છે.

સેન્સેક્સ હાલ નોંધપાત્ર ઘટાડા સાથે 48,729 પર વેપાર કરી રહ્યો છે. સેન્સેક્સમાં સામેલ 30માંથી 27 શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. જેમાં બજાજ ફાઈનાન્સ, SBI અને ઈન્ડસઈન્ડ બેન્કના શેર સૌથી વધારે 5-5%થી વધારે ઘટ્યા છે. આ પહેલાં 26 માર્ચે સેન્સેક્સ 49 બજારથી નીચે આવ્યો હતો.

નિફ્ટી પણ 337 અંક ઘટીને 14,529 પર વેપાર કરી રહ્યો છે. રોકાણકારો સૌથી વધારે વેચવાલી બેન્કિંગ શેરોમાં કરી રહ્યા છે. નિફ્ટી બેન્ક ઈન્ડેક્સ 1331 અંક એટલે કે 3.9% નીચે 32,526.35 આવી ગયો છે. આ જ રીતે ઓટો ઈન્ડેક્સ 2.9% અને મેટલ ઈન્ડેક્સ 1.3% નીચે આવી ગયો છે.

(સંકેત)