- દેશમાં નવી સીઝન દરમિયાન જાન્યુઆરીના અંત સુધી ખાંડનું ઉત્પાદન વધ્યું
- જાન્યુઆરીના અંત સુધીમાં ખાંડના ઉત્પાદનમાં 25 ટકાનો વધારો નોંધાયો
- જે ગત સીઝનના ઉત્પાદન 141 લાખ ટનની તુલનામાં લગભગ 25 ટકા વધારે છે
નવી દિલ્હી: દેશમાં નવી સીઝન દરમિયાન જાન્યુઆરીના અંત સુધીમાં ખાંડના ઉત્પાદનમાં 25 ટકાનો વધારો નોંધાયો છે. દેશમાં 31 જાન્યુઆરી 2021 સુધી ખાંડનું ઉત્પાદન 176.83 લાખ ટન થયું છે જે ગત સીઝનમાં સમાન સમયગાળા ઉત્પાદનમાં 141 લાખ ટનની તુલનામાં લગભગ 25 ટકા વધારે છે. ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિએશને આ માહિતી આપી છે.
ઇસ્મા અનુસાર હાલમાં દેશમાં 491 સુગર મિલોમાં શેરડીનું પિલાણ થઇ રહ્યું છે જ્યારે ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન 447 મિલોમાં પિલાણ થઇ રહ્યું હતું. દેશમાં ખાંડની સીઝન ઑક્ટોબરથી સપ્ટેમ્બર ગણાય છે. મહારાષ્ટ્રમાં અત્યારસુધી ખાંડનું ઉત્પાદન 63.8 લાખ ટન થયું છે જે ગત વર્ષે સમાન સમયગાળામાં 34.64 લાખ ટન હતું. ઉત્તર ભારતમાં ખાંડનું ઉત્પાદન 54.96 લાખ ટનની તુલનામાં 54.43 ટન થયું છે.
મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 182 સુગર મિલોમાં ઉત્પાદન થઇ રહ્યું છે જ્યારે ઉત્તર પ્રદેશમાં 120 સુગર મિલો શેરડીનં પિલાણ કરી રહી છે.
બીજી તરફ કર્ણાટકમાં અત્યારસુધી ખાંડનું ઉત્પાદન 34.83 લાખ ટન થયું છે જે ગત વર્ષે સમાન સમયગાળાના ઉત્પાદન 27.94 લાખ ટનથી વધારે છે. બીજી બાજુ અન્ય રાજ્યોમાં ખાંડનું ઉત્પાદન 24.21 લાખ ટન થયું છે.
(સંકેત)