- ટેલિકોમ કંપનીઓ પણ આગામી સમયમાં ટેરિફ પ્લાનની કિંમતોમાં કરશે વધારો
- નાણાકીય વર્ષ 2021-22માં કંપનીઓ આવક વધારવા પોતાના પ્લાન્સને મોંઘા કરી શકે છે
- જો કે તેની કિંમતોમાં કેટલો વધારો કરવામાં આવશે તે અંગે કોઇ વિગતો સામે આવી નથી
નવી દિલ્હી: દેશમાં મોંઘવારી સતત વધી રહી છે ત્યારે ટેલિકોમ કંપનીઓ આગામી મહિનાઓમાં ટેરિફ પ્લાનની કિંમતમોમાં વધારો કરી શકે છે. ઇન્વેસ્ટમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ક્રેડિટ રેટિંગ એજન્સીના રિપોર્ટ અનુસાર આગામી 1 એપ્રિલથી શરૂ થઇ રહેલ નાણાંકીય વર્ષ 2021-22માં પોતાની આવક વધારવા માટે કંપનીઓ ફરી એકવાર પોતાના પ્લાન્સને મોંઘા કરી શકે છે. જો કે તેની કિંમતોમાં કેટલો વધારો કરવામાં આવશે તે અંગે કોઇ વિગતો સામે આવી નથી.
ICRA અનુસાર ટેરિફમાં વધારો અને ગ્રાહકોનું 2Gમાંથી 4Gમાં અપગ્રેડેશનથી એવરેજ રેવેન્યૂ પર યૂઝર વધવાની સંભાવના છે. વર્ષની મધ્ય સુધી તે 220 રૂપિયા થઇ શકે છે. તેનાથી આગામી 2 વર્ષમાં ઇન્ડસ્ટ્રીની રેવેન્યુ 11થી 13 ટકા અને નાણાકીય વર્ષ 2022માં ઓપરેટિંગ માર્જિન આશરે 38 ટકા વધશે.
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2016માં ટેલિકોમ માર્કેટમાં જિયોના આવવાથી જોરદાર પ્રાઇસ વોર છેડાઈ ગયું હતું,ત્યાર બાદ 2019માં પ્રથમ વખત કંપનીઓએ ટેરિફ વધાર્યું હતું. ટેલિકોમ કંપનીઓએ ડિસેમ્બર 2019માં ટેરિફ દરો વધાર્યા હતા.
કોરોના મહામારીને કારણે મોટાભાગની ઇન્ડસ્ટ્રી પર પ્રતિકૂળ અસર જોવા મળી હતી પરંતુ ટેલિકોમ ઇન્ડસ્ટ્રી પર તેની વધુ અસર નહોતી પડી. લોકડાઉનમાં ડેટાનો વપરાશ અને ટેરિફમાં વૃદ્ધિને કારણે સ્થિતિ સુધરી હતી.
(સંકેત)