5G માટે તમારે વધુ પ્રતિક્ષા કરવી પડશે, કંપનીઓએ ટ્રાયલ માટે સરકાર પાસે વધુ સમય માંગ્યો
- ભારતમાં 5G ઇન્ટરનેટ સેવા માટે વધુ રાહ જોવી પડશે
- કંપનીઓએ ટ્રાયલ પૂર્ણ કરવા માટે સરકાર પાસે વધુ 1 વર્ષનો સમય માંગ્યો
- કંપની નવેમ્બર સુધીમાં ટ્રાયલ પૂર્ણ ના કરી સકતા સરકાર પાસે વધુ સમય માંગ્યો
નવી દિલ્હી: વિશ્વના અનેક દેશોમાં 5G ઇન્ટરનેટ સેવા ચાલી રહી છે અને કેટલાક દેશોમાં તો હવે 6G ઇન્ટરનેટ ટેક્નોલોજી પર કામ પણ ચાલી રહ્યું છે. જો કે ભારતમાં 5G ઇન્ટરનેટ સેવાની આતુરતાપૂર્વક પ્રતિક્ષા કરતા લોકોએ તેના માટે વધુ સમય પ્રતિક્ષા કરવી પડશે.
હકીકતમાં, ટેલિકોમ કંપનીઓનું 5-G ટ્રાયલ પૂર્ણ ના થયું હોવાથી કંપનીઓએ ટ્રાયલ પૂર્ણ કરવા માટે ટેલિકોમ વિભાગ પાસે વધુ 1 વર્ષનો સમય માંગ્યો છે.
સરકાર દ્વારા ગત મે મહિના દરમિયાન સ્પેક્ટ્રમ ફાળવાયા હતા અને કંપનીઓએ તે અનુસાર નવેમ્બર સુધીમાં ટ્રાયલ પૂર્ણ કરવાનું હતું જો કે ઘણા ગ્રામીણ વિસ્તારોમાં તેનું ટ્રાયલ શક્ય બન્યું નથી. કંપનીઓને કુલ 12 લોકેશન પર ટ્રાયલ કરવાનું હતું પરંતુ આ કામગીરી હજુ અધૂરી છે.
કંપનીઓએ હવે આ 5-G ટ્રાયલ માટે સરકાર પાસે વધુ સમયની માંગણી કરી છે. સરકાર ફાઇવ-જી ટ્રાયલ માટે કંપનીઓને માર્ચ સુધીનો સમય આપે તેવી સંભાવના છે. અર્થાત્. 1 વર્ષનો વધુ સમય હાલ કંપનીઓને મળવાની સંભાવના દેખાતી નથી. તેની પૂર્વે મે મહિનામાં કેન્દ્ર સરકારે જીયો, એરટેલ અને વોડફોન ઇન્ડિયાને 5-G સ્પેક્ટ્રમ ફાળવ્યા હતા.