- ક્રિપ્ટોકરન્સીની અત્યારસુધીની સૌથી મોટી ચોરી
- હેકરે 4465 કરોડ રૂપિયા ચોર્યા
- ક્રિપ્ટોકરન્સીમાં ઇથર અને બીજી ડિજીટલ કરન્સી સામેલ
નવી દિલ્હી: અત્યારે ભારત સહિત સમગ્ર વિશ્વમાં ક્રિપ્ટોકરન્સીનો ક્રેઝ ફૂલ્યોફાલ્યો છે અને હવે લોકો તેમાં પણ રોકાણ તરફ વળ્યા છે. જો કે હવે હવે ક્રિપ્ટોકરન્સીની ચમક પર હેકર્સ કાળી નજર કરી રહ્યા છે. ક્રિપ્ટોકરન્સીની સૌથી મોટી ચોરી થઇ છે. હેકર્સે 60 કરોડ ડૉલર એટલે કે લગભગ 4465 કરોડ રૂપિયાની ક્રિપ્ટોકરન્સીની ચોરી કરી છે. આને અત્યારસુધીની સૌથી મોટી ચોરી માનવામાં આવે છે. ક્રિપ્ટોકરન્સીમાં ઇથર અને અન્ય બીજી ડિજીટલ કરન્સીની ચોરી થઇ છે.
પોલી નેટવર્કે જણાવ્યું કે, કેટલાક હેકર્સે તેમની સિક્યોરિટી હેક કરી હતી. બાદમાં મોટી સંખ્યામાં ક્રિપ્ટોકરન્સીનો સફાયો બોલાવી દીધો હતો. આ હેકિંગમાં 60 કરોડ ડૉલરની ક્રિપ્ટોકરન્સીની ચોરી કરવામાં આવી છે. જે ક્રિપ્ટોકરન્સીના ઇતિહાસમાં સૌથી મોટી ચોરી હોઇ શકે છે. હેકર્સે બ્લોકચેંસ કંપનીનું નેટવર્ક હેક કર્યું અને પછી મોટી સંખ્યામાં ક્રિપ્ટોકરન્સી તેના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી.
હેકર્સ તરફથી ઉપયોગમાં લેવાયેલા ઑનલાઇન એડ્રેસને કંપનીએ શેર કર્યું છે. કંપનીએ આ હેકિંગથી પ્રભાવિત બ્લોકચેંસ અને ક્રિપ્ટો એક્સચેન્જીસને આ એડ્રેસથી આવી રહેલા ટોકન્સને બ્લેકલિસ્ટ કરવા માટે કહ્યું છે. પોલી નેટવર્કે સાથે જ હેકર્સને ચોરી કરવામાં આવેલી ક્રિપ્ટોકરન્સીની પણ પરત કરવા માટે અપીલ કરી છે. કંપનીએ કહ્યું કે, જે રકમ તમે હેક કરી છે તે ઇતિહાસની સૌથી મોટી ચોરી છે.
માનવામાં આવી રહ્યું છે કે, આ ચોરીમાં સૌથી વધુ પ્રભાવિત વિશ્વની બીજા સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી ઈથર થઈ છે. હેકર્સે 27.3 કરોડ ડૉલરના ઈથર પર હાથ સાફ કર્યો છે. સાથે જ તેઓએ પોલી નેટવર્કના 25.3 કરોડ ડૉલરના બીનાન્સ સ્માર્ટ ચેઈનને પણ પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા છે. લગભગ 3.3 કરોડ ડૉલરના ટેથર કોઈન પણ હેકર્સે ચોરી કર્યા છે. હેકર્સે કરન્સી ચોરી કર્યા પછી તેને ક્રિપ્ટોકરન્સી એડ્રેસીસમાં મોકલવાનુ શરૂ કરી દીધુ હતુ. સિક્યોરિટી કંપની સ્લોમીસ્ટના જણાવ્યા મુજબ, કુલ 61 કરોડ ડૉલરની ક્રિપ્ટોકરન્સીને 3 અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.