- કેન્દ્ર સરકાર હવે પેન્શન સેક્ટરમાં પણ વિદેશી પ્રત્યક્ષ રોકાણની મર્યાદા વધારી શકે
- સરકાર આ સેક્ટરમાં વિદેશી પ્રત્યક્ષ રોકાણની મર્યાદા વધારી 74 ટકા કરે તેવી સંભાવના
- સંસદના આગામી સત્રમાં આ અંગેનું બિલ રજૂ કરવામાં આવી શકે
નવી દિલ્હી: કેન્દ્ર સરકાર હવે વીમા સેક્ટર બાદ પેન્શન સેક્ટરમાં પણ વિદેશી પ્રત્યક્ષ રોકાણની મર્યાદા વધારીને 74 ટકા કરે તેવી સંભાવના છે. સૂત્રોનુસાર સંસદના આગામી સત્રમાં આ અંગેનું બિલ રજૂ કરવામાં આવે તેવી સંભાવના છે.
આપને જણાવી દઇએ કે, ગત મહિને કેન્દ્ર સરકારે વીમા સેક્ટરમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની મર્યાદા 49 ટકાથી વધારી 74 ટકા કરવાના બિલને મંજૂરી આપી હતી.
વીમા સેક્ટરમાં વિદેશી રોકાણની મર્યાદા વધારવા માટે સરકાર સંસદના ચોમાસુ અથવા શિયાળુ સત્રમાં પેન્શન ફંડ રેગ્યુલેટરની એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી એક્ટ, 2013માં સુધારો કરવા માટેનું બિલ રજૂ કરે તેવી સંભાવના છે.
હાલમાં પેન્શન સેક્ટરમાં એફડીઆઇની મર્યાદા 49 ટકા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર પીએફઆરડીએમાંથી એનપીએસ ટ્રસ્ટને પણ અલગ કરવા માગે છે. આ માટે પણ એમેન્ડમેન્ટ બિલ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.
હાલમાં એનપીએસ ટ્રસ્ટની સત્તા, ફરજ અને કાર્યો પીએફઆરડીએ (નેશનલ પેન્શન સિસ્ટમ ટ્રસ્ટ) રેગ્યુલેશન, 2015 હેઠળ આવે છે. હવે એનપીએસ ટ્રસ્ટને ચેરિટેબલ ટ્રસ્ટ આૃથવા કંપનીસ એક્ટ હેઠળ લાવવામાં આવે તેવી શક્યતા છે. પેન્શન રેગ્યુલેટરમાંથી એનપીએસ ટ્રસ્ટને અલગ રાખવાનો ઉદ્દેશ બોર્ડના સભ્યો તરીકે નિષ્ણાત વ્યકિતઓની નિમણૂક કરવાનો છે.
ઉલ્લેખનીય છે કે પેન્શન સેક્ટરના વિકાસ માટે PFRDAની રચના કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે1 જાન્યુઆરી, 2004થી કેન્દ્ર સરકારમાં જોડાનારા તમામ કર્મચારીઓ માટે એનપીએસ ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
(સંકેત)