- અનેક રાજ્યોમાંથી પ્રતિબંધો હટાવી લેવાતા પરિવહન સેવાને વેગ મળ્યો
- જૂન મહિનામાં ફાસ્ટેગ કલેક્શન 21 ટકા વધીને 2,576.28 કરોડે પહોંચ્યું
- જૂનમાં ટ્રકોનું પરિવહન પણ વધીને 75 ટકા થયું છે
નવી દિલ્હી: કોરોના મહામારીની બીજી લહેર હવે ધીરે ધીરે નબળી પડી રહી છે અને અસર ઓછી વર્તાઇ રહી છે ત્યારે અનેક રાજ્યોમાં લગાવાયેલા પ્રતિબંધો અને લોકડાઉન ઉઠાવી લેવામાં આવતા હવે પરિવહન સેવાને પણ વેગ મળ્યો છે. હાઇવે પર ટ્રાફિક વધ્યો છે. આ જ કારણોસર ફાસ્ટેગ ટોલ કલેક્શન જૂનમાં 21 ટકા વધીને 2,576.28 કરોડ રૂપિયાએ પહોંચ્યું છે.
નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા અનુસાર જૂનમાં કલેક્શનનો આંકડો એપ્રિલના 2776.90 કરોડ અને માર્ચના 3086.32 કરોડ રૂપિયાથી ઓછુ છે. જૂનમાં ફાસ્ટેગ ટોલ ટ્રાન્ઝેક્શન વધીને 15.786 કરોડ રૂપિયા રહ્યું છે કે મે માં 11.65 કરોડ હતું. તે એપ્રિલમાં 16.433 કરોડ હતું.
આપને જણાવી દઇએ કે 100 ટકા ઇ ટોલિંગ માટે આ વર્ષે નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ ફાસ્ટેગને ફરજીયાત કરી દીધું છે. જેના પરિણામે જૂનમાં કુલ ટોલ કલેક્શનમાં 95 ટકા હિસ્સો ફાસ્ટેગનો છે. પ્રતિબંધો ઘટવાને કારણે સ્થાનિક અર્થતંત્ર ફરીથી વેગવંતુ બન્યું છે. જૂનમાં ટ્રકોનું પરિવહન પણ વધીને 75 ટકા થયું છે.
જૂનમાં નેશનલ હાઇવે પર ટોલ ચૂકવનાર વાહનોની સંખ્યા 16 કરોડને વટાવી ગઈ છે. રેટિંગ એજન્સી ક્રિસીલ અનુસાર કોરોનાની બીજી લહેર બાદ એપ્રિલ અને મે માં નેશનલ હાઇવે પર પરિવહન પ્રભાવિત થયું હતું.