- ગુજરાત સહિત 5 રાજ્યોની જીડીપી છે સૌથી વધારે
- આંદામાન નિકોબાર, સિક્કિમ જેવા દેશોની છે ઓછી જીડીપી
- ભારતનો કુલ જીડીપી રૂ.231.85 લાખ કરોડ છે
નવી દિલ્હી: કોવિડના રોગચાળા પહેલા ભારતની અર્થવ્યવસ્થા વિશ્વમા સૌથી પૂરપાટ ઝડપે વિકસતી અર્થવ્યવસ્થામાંથી એક હતી, પરંતુ કોરોના રોગચાળાએ દસ્તક દેતા આ વિકાસ પર બ્રેક લાગી ગઇ હતી.
જો કે કોવિડના ઘટતા પ્રકોપ બાદ આર્થિક ગતિવિધિઓ ફરીથી ધમધમતા દેશના અર્થતંત્રમાં ફરીથી પ્રાણ ફૂંકાયા હતા. તે ઉપરાંત પીએમ મોદીની આત્મનિર્ભર ભારત અભિયાનની પહેલ તેમજ સરકાર દ્વારા જાહેર કરાયેલા 20 લાખ કરોડ રૂપિયાના પેકેજ જેવા પ્રોત્સાહક પગલાંના જોરે ભારતના જીડીપીએ ફરીથી રફ્તાર પકડી છે.
ભારતના જીડીપીના કેટલાક આંકડાઓ પર નજર કરીએ તો, ભારતનો કુલ જીડીપી રૂ.231.85 લાખ કરોડ છે. કેન્દ્ર સરકારે 5 વર્ષમાં 5 ટ્રિલિયન યુએસ ડોલરનું જીડીપી લક્ષ્યાંક રાખ્યું હતું. જેમાં તમે રાજ્ય અનુસાર જુઓ તો મહારાષ્ટ્ર દેશનું સૌથી ધનિક રાજ્ય છે. મહારાષ્ટ્રની જીડીપી રૂ.23.24 લાખ કરોડ (US$450 બિલિયન) સાથે ટોચ પર છે. જે પછી તામિલનાડુ અને ગુજરાત છે. જીડીપીની દૃષ્ટિએ આંદામાન અને નિકોબાર સૌથી નીચલા સ્તરે છે.
કોઇપણ દેશના આર્થિક ચિત્રને માપવા અને આર્થિક સ્વાસ્થ્યના આકલન માટે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એક માપ અને પદ્વતિ છે. જીડીપીનો આંક અર્થતંત્રના મુખ્ય ઉત્પાદન ક્ષેત્રોમાં ઉત્પાદનના વિકાસ દર પર આધારિત છે.
ભારતમાં સૌથી વધુ જીડીપી ધરાવતા રાજ્યોમાં મહારાષ્ટ્ર, ગુજરાત, તામિલનાડુ આવે છે જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશોમાં દિલ્હીમાં સૌથી વધુ જીડીપી છે.
જ્યારે સૌથી ઓછા જીડીપીની સૂચિમાં નાગાલેન્ડ, સિક્કિમ, મિઝોરમ તેમજ આંદામાન અને નિકોબાર સમાવિષ્ટ છે. કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંદામાન અને નિકોબારમાં સૌથી ઓછો જીડીપી છે.