Site icon Revoi.in

Ola-Uber હવે મુસાફરો પાસેથી વધારે ભાડું નહીં વસૂલી શકે

Social Share

નવી દિલ્હી: દેશના અનેક શહેરોમાં પીક અવર્સ દરમિયાન મુસાફરો પાસેથી વધુ ભાડુ વસૂલતી ઓલા અને ઉબર જેવી કેબ એગ્રીગેટર કંપનીઓ પર સરકારે સકંજો કસવાની તૈયારી કરી લીધી છે. સરકારે શુક્રવારે ઓલા અને ઉબર જેવી એગ્રીગેટર કંપનીઓ પર માગ વધવા પર ભાડુ વધારવાની એક સીમા લગાવી દીધી છે. હવે આ કંપનીઓ મૂળ ભાડાથી દોઢ ગણા કરતાં વધુ વસૂલી શકશે નહીં.

છેલ્લા કેટલાક સમયથી લોકો કેબ સેવા આપતી કંપનીઓ દ્વારા વસૂલાતા વધુ ભાડા પર લગામ લગાવવાની લાંબા સમયથી માંગ કરી રહ્યા હતા જેને ધ્યાનમાં રાખીને સરકારે આ પગલું ભર્યું છે. આ પ્રથમવાર છે જ્યારે ભારતમાં ઓલા અન ઉબર જેવી કેબી એગ્રીગેટર્સને રેગ્યુલેટ કરવા માટે સરકારે દિશાનિર્દેશ જાહેર કર્યા છે.

પરિવહન મંત્રાલયની ગાઇડલાઇન અનુસાર કેન્સલેશન ફી કુલ ભાડાના 10 ટકા જ લઇ શકાશે. જે રાઇડર અને ડ્રાઇવર બંને માટે 100 રૂપિયાથી વધુ નહીં હોય. કેબ એગ્રીગેટર્સ પર નિયંત્રણ લાવવા માટેની ગાઇડલાઇન્સ લાંબા સમયથી પન્ડિંગ છે, જેને મંત્રાલય દ્વારા મોટર વ્હીકલ એક્ટ, 2019ના ભાગરૂપે જાહેર કરી હતી.

પરિવહન મંત્રાલયની ગાઇડલાઇન્સ પ્રમાણે એગ્રીગેટર સાથે જોડાયેલા વ્હીકલના ડ્રાઇવરને દરેક રાઇડ પર ઓછામાં ઓછું 80 ટકા ભાડું મળશે જ્યારે એગ્રીગેટરને રાઇડના બાકીના 20 ટકા જ મળશે. મૂળ ભાડાથી દોઢ ગણા વધારા સિવાય એગ્રીગેટરને બેઝ ફેરથી 50 ટકા ઓછું ભાડું વસૂલવાની મંજૂરી આપવામાં આવશે.

ચાલુ વર્ષ માટે WPI દ્વારા અનુક્રમિત શહેરનું ટેક્સી ભાડુ એગ્રીગેટર સેવાનો લાભ લેનારા ગ્રાહકો માટે બેઝ ભાડુ રહેશે. ટ્રાફિક અને ઓટોમોબાઈલ પ્રદૂષણને ઘટાડવાના પ્રયાસોમાં રાજ્ય સરકાર પ્રતિબંધ ન મૂકે ત્યાં સુધી સરકારે એગ્રીગેટર્સને નોન-ટ્રાન્સપોર્ટ વ્હીકલ પૂલિંગ તરફની પણ મંજૂરી આપી છે.

ગાઇડલાઇન્સ અનુસાર, એક કેલેન્ડર દિવસમાં વધુમાં વધુ 4 રાઇડ-શેરિંગ ઇન્ટ્રા સિટી ટ્રિપ અને દર સપ્તાહે વધુમાં વધુ બે રાઇડ-શેરિંગ ઇન્ટ્રા-સિટી ટ્રિપની મંજૂરી આપવામાં આવશે, જેમાં એગ્રીગેટરની સાથે ડ્રાઇવરને પ્રત્યેક વાહનને જોડવામાં આવશે. કેબ એગ્રીગેટરને 24×7 સંચાલનની સાથે એક કંટ્રોલ રૂમ સ્થાપિત કરવાની જરૂર પડશે અને તે સુનિશ્ચિત કરવું પડશે કે એગ્રીગેટરની દિશામાં તમામ વાહન કંટ્રોલ રૂમ સાથે સતત કોન્ટેક્ટ બનાવીને રાખે.

એપમાં જનરેટ થયેલો ડેટા ભારતના એક સર્વર પર સંગ્રહિત થયેલો હોય તેની ખાતરી એગ્રીગેટર્સે કરવી પડશે. આવો સ્ટોર કરેલો ડેટો ઓછામાં ઓછા 3 મહિનાનો અને વધુમાં વધુ 24 મહિનાનો હોવો જોઈએ, તેવો આદેશ ગાઈડલાઈનમાં આપવામાં આવ્યો છે.

મહત્વનું છે કે, કાયદાની યોગ્ય પ્રક્રિયા અનુસાર આ ડેટા રાજ્ય સરકારને ઉપલબ્ધ કરાવવામાં આવશે. ગાઇડલાઇનમાં તેવું પણ જણાવાયું છે કે, ગ્રાહકો સંબંધિત કોઇપણ ડેટા ગ્રાહકની લેખિત સંમતિ વગર જાહેર કરી શકાશે નહીં.

(સંકેત)