Site icon Revoi.in

બજેટ 2021: સરકાર અનેક ચીજો પર ઘટાડી શકે છે કસ્ટમ ડ્યૂટી, ગ્રાહકોને મળશે રાહત

Social Share

નવી દિલ્હી: સરકાર આગામી સપ્તાહે રજૂ થનારા સામાન્ય બજેટમાં અનેક વસ્તુઓ પર કસ્ટમ ડ્યૂટી ઘટાડીને ગ્રાહકોને રાહત આપી શકે છે. જેમાં ફર્નિચરનો કાચો માલ, તાંબા ભંગાર, કેટલાક રસાયણો, દૂરસંચાર ઉપકરણ તેમજ રબર ઉત્પાદો સામેલ છે. સૂત્રોનુસાર પોલીશ કરવામાં આવેલા હીરા, રબરનો સામાન, ચામડાંના કપડાં, દૂરસંચાર ઉપકરણો તેમજ રજાઇ જેવી 20થી વધુ પ્રોડક્ટ્સ પર કસ્ટમ ડ્યૂટીમાં કાપ મૂકવામાં આવી શકે છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, આંતરરાષ્ટ્રીય બજારમાં મોંઘા કાચા માલ ભારતની કિંમત પ્રતિસ્પર્ધાને પ્રભાવિત કરે છે. દેશની ફર્નિચરની નિકાસ ખૂબ ઓછી (અંદાજે 1 ટકા) છે, જ્યારે ચીન અને વિયેતનામ જેવા દેશ આ ક્ષેત્રના મુખ્ય નિકાસકાર છે.

આપને જણાવી દઇએ કે સરકારે સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે અનેક સરાહનીય પગલાં ભર્યા છે. એર કન્ડીશનર તેમજ એલઇડી લાઇટ સહિત અનેક ક્ષેત્રો માટે ઉત્પાદન આધારિત પ્રોડક્શન યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત સરકાર કેટલાક તૈયાર પ્રોડક્ટ્સ જેમ કે રેફ્રીજરેટર, વોશિંગ મશીન અને ક્લોથ ડ્રાયર વગેરે પર ડ્યૂટીને વધારવાનું પણ વિચારી શકે છે.

નોંધનીય છે કે નાણા મંત્રી નિર્મલા સીતારમણ 1લી ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2021-22નું બજેટ રજૂ કરશે. આ સામાન પર કસ્ટમ ડ્યૂટીને ઓછી કરવાથી આત્મનિર્ભર ભારત અભિયાનને પ્રોત્સાહન મળશે અને સ્થાનિક ઉત્પાદનમાં તેજી આવશે.

(સંકેત)