તો શું હજુ પણ પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટે? જાણો શું કહ્યું પેટ્રોલિયમ મંત્રીએ?
- હજુ મોંઘવારીનો માર સહન કરવો પડશે
- પેટ્રોલ-ડીઝલના ભાવ હજુ નહીં ઘટે
- પેટ્રોલિયમ મંત્રીએ આપ્યા સંકેત
નવી દિલ્હી: દેશમાં પેટ્રોલ-ડિઝલનો ભાવ સદી તરફ આગળ વધી રહ્યો છે ત્યારે હજુ પણ આગામી દિવસોમાં તેનાથી કોઇ રાહત નહીં મળે તેવા સંકેતો કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીએ આપ્યા છે.
આજે ફરીથી સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો ઝીંક્યો છે. ત્યારે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ ઇશારો કર્યો છે કે, હાલ પેટ્રોલ કે ડિઝલના ભાવમાં કોઇ ઘટાડો નહીં જોવા મળે.
દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 105.84 રૂપિયા છે જ્યારે ડિઝલનો ભાવ 94.57 રૂપિયા છે. તો બીજી તરફ મુંબઇમાં પેટ્રોલના ભાવ 111.77 રૂપિયા અને ડિઝલના ભાવ 102.52 રૂપિયા પર પહોંચી ગયો છે.
કોલકતામાં પેટ્રોલ-ડીઝલની કિંમત પર નજર કરીએ તો પેટ્રોલના ભાવ 106.43 રૂપિયા છે જ્યારે ડિઝલનો ભાવ 97.668 રૂપિયા પર પહોંચી ગયો છે. જ્યારે ચેન્નાઇમાં પેટ્રોલનો ભાવ 103.01 રૂપિયા જ્યારે ડિઝલનો ભાવ 98.92 રૂપિયાએ પહોંચી ગયો છે.
નોંધનીય છે કે, દેશના અનેક રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ 100ને પાર પહોંચી ચૂક્યા છે. બીજી તરફ ઘરેલુ ગેસ અને તેલના ભાવમાં પણ સતત વધતા સામાન્ય પ્રજા મોંઘવારીનો માર સહન કરી રહી છે.