- અનલિસ્ટેડ કંપનીઓએ પણ હવે નાણાકીય વિગતો જાહેર કરવી પડશે
- કંપની અધિનિયમ સુધારો ૨૦૨૦માં કંપની બાબતોના મંત્રાલયે નવી જોગવાઈ કલમ ૧૨૯ એ ઉમેરી છે
- નાણાકીય સર્વેલન્સનો અવકાશ વધારવા માટે આઈએલએન્ડએફએસ કૌભાંડ પછી નવી જોગવાઈ ઉમેરવામાં આવી છે
નવી દિલ્હી: અનલિસ્ટેડ કંપનીઓએ ટૂંક સમયમાં તેમની નાણાકીય વિગતો નિયમિત સમયગાળા દરમિયાન કંપની રજિસ્ટ્રારને સુપરત કરવાની રહેશે, જે કંપની પોતે લિસ્ટેડ નથી પરંતુ જેની સહાયક કંપનીઓ સ્ટોક એક્સચેન્જમાં સૂચિબદ્વ છે, તેમનો સમાવેશ આ મુદ્દામાં થાય છે.
સરકારી સૂત્રોનુસાર લિસ્ટેડ કંપનીઓ નિયમિત રીતે પરિણામો સહિતની દરેક જાહેરાતો કરે છે, પરંતુ તેમની હોલ્ડિંગ કંપની ફક્ત વાર્ષિક નાણાકીય નિવેદનો રજૂ કરે છે અને તે પણ 18 મહિના પછી. માહિતીની આ અસમાનતાને દૂર કરવા આ પગલું ભરવામાં આવશે.
કંપની અધિનિયમ સુધારો ૨૦૨૦માં કંપની બાબતોના મંત્રાલયે નવી જોગવાઈ કલમ ૧૨૯ એ ઉમેરી છે. આ અંતર્ગત, સરકાર અમુક કેટેગરીની કંપનીઓને નિયમિત અંતરાલમાં આર્થિક પરિણામો તૈયાર કરવા માટે કહી શકે છે. જોગવાઈ મુજબ આવી કંપનીઓએ નિયત અવધિ પૂર્ણ થયાના ૩૦ દિવસની અંદર પરિણાની એક નકલ રજિસ્ટ્રારને આપવાની રહેશે. જોગવાઈમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે બોર્ડ ઓફ ડિરેક્ટરની મંજૂરી મેળવ્યા પછી કંપનીએ નાણાંકીય પરિણામોની સંપૂર્ણ અથવા મર્યાદિત તપાસ નિયત સમયગાળાની અંદર કરવાની રહેશે.
નાણાકીય સર્વેલન્સનો અવકાશ વધારવા માટે આઈએલએન્ડએફએસ કૌભાંડ પછી નવી જોગવાઈ ઉમેરવામાં આવી છે. જો કે કોર્પોરેટ અફેર્સ મંત્રાલયે હજી સુધી નિર્ણય લીધો નથી કે આ જોગવાઈ કઈ કંપનીની કંપની પર લાગુ થશે પરંતુ એવું માનવામાં આવે છે કે જ્યાં જાહેર હિત જોખમાયેલ છે ત્યાં તેનો અમલ કરાશે. મંત્રાલયે એ પણ નક્કી કરવું પડશે કે દર ત્રિમાસિક કે દર અર્ધ વર્ષે આવા નાણાંકીય પરિણામો જાહેર કરવા કે નહીં. આ પગલાથી રોકાણકારોને સમયસર વધુ માહિતી મળશે.
(સંકેત)