Site icon Revoi.in

યુપીઆઇ પેમેન્ટ્સનું મહત્વ વધ્યું, છેલ્લા 4 વર્ષ દરમિયાન UPI પેમેન્ટ્સમાં 70 ગણો વધારો

Social Share

નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે અત્યારે સૌથી વધુ ઑનલાઇન પ્લેટફોર્મનો ઉપયોગ થઇ રહ્યો છે અને પેમેન્ટ્સ માટે પણ ઑનલાઇન ટ્રાન્ઝેક્શનો થઇ રહ્યાં છે. આ સમયમાં દેશભરમાં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસના વપરાશમાં છેલ્લા ચાર વર્ષમાં 70 ગણો વધારો થયો છે. સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા દ્વારા જારી કરાયેલા એક રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે.

પીઓએસ મશીન કે ઓથેન્ટિકેશન્સ જેવી પ્રક્રિયા કરવાની ના હોવાથી ભારતના યૂઝર્સ વપરાશકારો યુપીઆઇ જેવા પ્લેટફોર્મ્સ તરફ વળ્યા છે.

રિપોર્ટ અનુસાર યુપીઆઇ મારફતના વ્યવહારમાં ચાર વર્ષમાં 70 ગણો વધારો થયો છે. 2017થી યુપીઆઇનો પેમેન્ટ્સ માટે વપરાશ વધી રહ્યો છે. આજ ગાળામાં ડેબિટ કાર્ડના વપરાશમાં સ્થિરતા આવી છે, જે વપરાશકારો યુપીઆઇ મોડને પ્રાધાન્ય આપી રહ્યાનું સૂચવે છે.

બીજી બાજુ દિવાળીના સપ્તાહમાં ખરીદીમાં જોરદાર વધારો છતાં કરન્સી ઈન સર્ક્યુલેશનનો આંક રૂપિયા 43900 કરોડ રહ્યો હતો. વર્તમાન વર્ષની દિવાળીમાં ઉપભોગતાઓએ રૂપિયા 1.25 ટ્રિલિયનની ખરીદી કરી હતી. જે 2014 બાદ સૌથી વધુ રહી હતી.

અત્રે જણાવવાનું કે, નોટબંધી બાદ કરન્સી ઈન સર્ક્યુલેશન જે ઘટીને જીડીપીના 8.70 ટકા પર આવી ગઈ હતી તેમાં ફરી વધારો જોવા મળી રહ્યો છે. આ પાછળનું એક કારણ કોરોનાના કાળમાં જીડીપીમાં જોવા મળેલો 7.30 ટકા ઘટાડો હોઈ શકે.