- છેલ્લા 17 સપ્તાહમાં બેરોજગારીનો દર વધીને 10.09 ટકાના દરે પહોંચ્યો
- દેશનો સરેરાશ બેરોજગારી દર 8.53 ટકાન 9 સપ્તાહની સર્વોચ્ચ સપાટીએ
- ગ્રામીણ બેરોજગારીનો દર પણ 7.42 ટકા સાથે નવ સપ્તાહના ઉચ્ચત્તમ સ્તરે
નવી દિલ્હી: પ્રથમ વખત એવું બન્યું છે કે છેલ્લા 17 સપ્તાહમાં બેરોજગારીનો દર વધીને 10.09 ટકાના ડબલ ડિજીટે પહોંચ્યો છે. શહેરી બેરોજગારીનો દર વધતા દેશનો સરેરાશ બેરોજગારી દર 8.53 ટકાના 9 સપ્તાહની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો હતો. સેન્ટર ફોર મોનિટરિગિં ઇન્ડિયન ઇકોનોમીએ આ માહિતી આપી છે.
બીજી તરફ ગ્રામીણ બેરોજગારીનો દર પણ 7.42 ટકાના નવ સપ્તાહના ઉચ્ચત્તમ સ્તરે હતો. એજન્સીના એમડી મહેશ વ્યાસ અનુસાર ઊંચો બેરોજગારી દર નોકરીઓની વધતી માંગ અને અર્થતંત્રની પૂરતી સંખ્યામાં નોકરીઓ પેદા કરવામાં અસમર્થતાને દર્શાવે છે.
કોરોનાની બીજી લહેર દરમિયાન શહેરી બેરોજગારી દર સુધરી રહ્યો હતો પરંતુ છેલ્લા કેટલાક સપ્તાહથી સતત વધી રહ્યો છે અને ખાસ કરીને દિવાળી બાદ નવેમ્બરથી એકતરફી વધારો થઇ રહ્યો છે. નવેમ્બરમાં શહેરોમાં રોજગારીની તકોમાં 9 લાખનો ઘટાડો થયો હતો. જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં ઑક્ટોબરના સ્તરથી 23 લાખનો વધારો થયો હતો.
શહેરી નોકરીઓ ચોક્કસપણે વધુ સારું વેતન આપે છે અને સંગઠિત ક્ષેત્રમાં તેમનો વધુ હિસ્સો છે અને શહેરી બેરોજગારી એટલે કે ભારતમાં નોકરીઓની ગુણવત્તામાં એકંદર ઘટાડો થવાના સંકેત છે.
સત્તાવાર ડેટા દર્શાવે છે કે ગયા સપ્તાહે ઓક્ટોબરમાં ઔદ્યોગિક ઉત્પાદન સ્થિર હતું. નાણા મંત્રાલયે સપ્તાહના અંતે જણાવ્યું હતું કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) જે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 8.4 ટકા વધ્યો હતો, તે ચાલુ નાણાકીય વર્ષના બાકીના ક્વાર્ટરમાં વધુ વધશે.