- કોરોના કાળમાં સેકન્ડ હેન્ડ કારનું માર્કેટ ધમધમ્યું
- નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન 39 લાખ સેકન્ડ હેન્ડ કારનું વેચાણ થયું
- જે વાર્ષિક તુલનાએ કારના વેચાણમાં 3 ગણો વધારો દર્શાવે છે
નવી દિલ્હી: કોરોનાના સંકટકાળ દરમિયાન નવા વાહનના વેચાણને ગ્રહણ લાગ્યું છે પરંતુ હાલમાં સેકન્ડ હેન્ડ કારનું માર્કેટ ધમધમી રહ્યું છે. યૂઝ્ડ કારનું વેચાણ ટોપ-ગિયરમાં ચાલી રહ્યું છે. કોરોનાના આ સંકટ કાળમાં લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ માટે પરિવહનના જાહેર સાધનોને બદલે વ્યક્તિગત સાધનોમાં જવાનું વધારે પસંદ કરે છે. આ જ કારણોસર જૂની કારના વેચાણમાં ઉછાળો આવ્યો છે. નાણાકીય વર્ષ 2019-20માં માત્ર 14 લાખ જૂની કારનું વેચાણ થયું હતું, જેની સામે નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન 39 લાખ સેકન્ડ હેન્ડ કારનું વેચાણ થયું હતું, જે વાર્ષિક તુલનાએ કારના વેચાણમાં 3 ગણો વધારો દર્શાવે છે.
નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં નવી ગાડીઓના વેચાણમાં 36 ટકાનો ઘટાડો થયો હતો. જાણકારો અનુસાર હાલમાં દેશમાં મોટી સંખ્યામાં જૂની કારનું વેચાણ થઇ રહ્યું છે. ઑનલાઇન પ્લેટફોર્મ્સને કારણે હવે જૂની કારના વેચાણના આંકડાઓ ભેગા કરવાનું શક્ય બન્યું છે.
નોંધનીય છે કે, એપ્રિલ 2020ના પ્રારંભમાં BS6 નોર્મ્સ લાગૂ કરાયા હતા. આ કારણોસર કંપનીઓએ પોતાના વાહનોની કિંમત પણ વધારી દીધી હતી. બીજી તરફ કોરોના મહામારીને કારણે ગ્રાહકોની આવકને પણ મોટો ફટકો પડ્યો હતો. આથી વાજબી કિંમતે વાહન ખરીદવા ઇચ્છુક ગ્રાહકોએ વધેલી કિંમતે નવી કાર લેવાનું માંડી વાળીને સેકન્ડ હેન્ડ કારની ખરીદી કરી હતી.
(સંકેત)