Site icon Revoi.in

નવેમ્બર મહિનો ઑટો કંપનીઓ માટે રહ્યો ફિક્કો, પેસેન્જર વ્હિકલનું વેચાણ 19 ટકા ઘટ્યું

Social Share

નવી દિલ્હી: નવેમ્બર મહિનામાં ઑટો કંપનીઓને ગ્રહણ લાગ્યું છે. નવેમ્બરમાં તમામ પ્રકારના નવા વાહનોનું રિટેલ વેચાણ વાર્ષિક તુલનાએ 2.7 ટકા ઘટીને 18,17,600 એકમ નોંધાયું છે. નવેમ્બર 2019ની તુલનાએ વેચાણ 20 ટકા ઘટ્યું છે.

વ્હિકલના વેચાણના આંકડા રજૂ કરતા ફેડરેશન ઑફ ઓટોમોબાઇલ ડિલર્સ એસોસિએશન અનુસાર, પેસેન્જર વ્હિકલનું વેચાણ 19.44 ટકા, ટ્રેક્ટરનું વેચાણ 9.1 ટકા તેમજ દ્વિ-ચક્રીય વાહનોનું રિટેલ વેચાણ પોણો ટકા ઘટ્યું છે. તો બીજી તરફ થ્રી-વ્હિલરના વેચાણમાં વાર્ષિક તુલનાએ 67 ટકા અને કોમર્શિયલ વ્હિકલમાં 13.3 ટકાનો વધારો થયો છે.

દિવાળીના તહેવાર દરમિયાન પણ વાહનોના વેચાણમાં કંઇ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો નથી. દિવાળીની સિઝનમાં વાહનોનું વેચાણ છેલ્લા એક દાયકામાં સૌથી ઓછુ રહ્યા બાદ સતત બીજા મહિને ઑટોમોબાઇલ ઉદ્યોગનો વેચાણ વૃદ્વિદર નકારાત્મક રહ્યો છે.

અત્યારે દેશમાં સેમિકન્ડક્ટરની અછત જોવા મળી રહી છે જેને કારણે કાર સહિત પેસેન્જર વ્હિકલનું મેન્યુફેક્ચરિંગ ઓછુ થઇ રહ્યું છે જેના લીધે કંપનીઓ સમયસર પુરતા પ્રમાણમાં વાહનોની ડિલિવરી કરવામાં મુશ્કેલી અનુભવી રહી છે. તેના લીધે પણ વાહનોનું વેચાણ ઘટી રહ્યું છે.

બીજી તરફ નિષ્ણાંતો એવો અંદાજ લગાવી રહ્યા છે કે, જ્યાં સુધી ગ્રામીણ ભારતમાંથી મજબૂત માંગના સંકેતો નહીં મળે ત્યાં સુધી વાહનોનું રિટેલ વેચાણ મોટા ભાગે નબળુ જ રહેશે.