Site icon Revoi.in

વોડાફોન આઇડિયામાં 36% હિસ્સો હસ્તગત કરશે ભારત સરકાર, આ બાદ કંપનીમાં સરકારની સૌથી વધુ ભાગીદારી હશે

Social Share

નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી જીયો આવ્યા બાદ વોડાફોન આઇડિયા લિમિટેડ કડી સ્પર્ધાનો સામનો કરી રહ્યું છે. આ વચ્ચે હવે વોડાફોન આઇડિયા લિમિટેડનું સરકારીકરણ થવા જઇ રહ્યું છે. વોડફોન આઇડિયા લિમિટેડે જણાવ્યું કે, ભારત સરકાર કંપનીમાં 36 ટકા હિસ્સો હસ્તગત કરશે. બોર્ડે કંપનીની જવાબદારીને ઇક્વિટીમાં રૂપાંતરિત કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ નિર્ણય બાદ વોડાફોન આઇડિયામાં સૌથી મોટી ભાગીદારી ભારત સરકારની હશે.

સંકટમાંથી પસાર થઇ રહેલા ટેલિકોમ સેક્ટરને થોડા દિવસ પહેલા સરકારે ઘણી રાહત આપી હતી. જેમાં સ્પેક્ટ્રમ ચાર્જીસ અને AGR લેણાંની ચૂકવણી માટે 4 વર્ષનો મોરેટોરિયમ આપ્યો હતો. જો કે, આ સમયગાળા દરમિયાન વ્યાજની ગણતરી ચાલુ રહેશે. જો કંપની ઇચ્છે છે કે વ્યાજનો હિસ્સો ઇક્વિટીમાં કન્વર્ટ કરી દેવામાં આવે તો સરકારે તેની પણ મંજૂરી આપી હતી.

વ્યાજની નેટ પ્રેઝન્ટ વેલ્યુ લગભગ 16 હજાર કરોડ રૂપિયા હશે. કંપનીએ આ અનુમાન લગાવ્યું છે. જો કે DoT એટલે કે ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકોમ્યુનિકેશન્સની મંજૂરી મળવાની બાકી છે. રિપોર્ટ્સ અનુસાર સરકારને 10 રૂપિયા પ્રતિ શેરના હિસાબથી ઇક્વિટી ટ્રાન્સફર કરવામાં આવશે.

વોડાફોન આઇડિયા અનુસાર, સરકાર અને પ્રમોટરની વચ્ચે ગવર્નન્સનું કામ શેર હોલ્ડર એગ્રીમેન્ટ હેઠળ કરવામાં આવશે. પ્રમોટોના અધિકારો માટે શેરહોલ્ડિંગ મર્યાદા 21 ટકાથી ઘટાડીને 13 ટકા કરવામાં આવશે. તેના માટે કંપનીના આર્ટિકલ ઑફ એસોસિએશનમાં ફેરફાર કરવામાં આવશે.