- પેટ્રોલ-ડિઝલના વધતા ભાવ વચ્ચે ફેબ્રુઆરીમાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો વધ્યો
- ફેબ્રુઆરીમાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો વધીને 4.17 ટકા થઇ ગયો
- જે 27 મહિનાની સર્વોચ્ચ સપાટીએ છે
નવી દિલ્હી: દેશમાં એક તરફ પેટ્રોલ અને ડિઝલના વધતા ભાવ વચ્ચે ફેબ્રુઆરીમાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો વધીને 4.17 ટકા થઇ ગયો છે. જે 27 મહિનાની સર્વોચ્ચ સપાટીએ છે. સળંગ બીજા મહિને જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવામાં વધારો થયો છે. ફેબ્રુઆરી, 2021માં ખાદ્ય, ઇંધણ અને વીજળીના ભાવ વધવાને કારણે જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવામાં તોતિંગ વધારો જોવા મળ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, જાન્યુઆરી 2021માં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો 2.03 ટકા અને ફેબ્રુઆરી, 2020માં 2.26 ટકા હતો. કેટલાક મહિનાઓ સુધી ખાદ્ય ફુગાવો ઘટી ગયા પછી ફેબ્રુઆરી, 2021માં ખાદ્યાન્ન ફુગાવો 1.36 ટકા રહ્યો છે. જે જાન્યુઆરી, 2021માં માઇનસ 2.80 ટકા હતો.
ફેબ્રુઆરીની વાત કરીએ તો શાકભાજીના ભાવમાં 2.90 ટકાનો ઘટાડો થયો છે. જો કે જાન્યુઆરી, 2021માં શાકભાજીના ભાવમાં 20.82 ટકાનો ઘટાડો થયો હતો. ફેબ્રુઆરીમાં કઠોળના ભાવમાં 10.25 ટકાનો વધારો થયો છે. જ્યારે ફળોના ભાવમાં 9.48 ટકાનો વધારો થયો છે.
ફેબ્રુઆરીમાં કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ(CPI) આધારિત ફુગાવો 5.03 ટકા રહ્યો છે. જે અગાઉના મહિનામાં 4.06 ટકા હતો. ફેબ્રુઆરીમાં ભારતની નિકાસ 0.67 ટકા વધીને 27.93 અબજ ડોલર રહી છે. જ્યારે આયાત 6.96 ટકા વધીને 40.54 અબજ ડોલર રહી છે.
વેપાર ખાધ વધીને 12.62 અબજ ડોલર થઇ છે. જે એક વર્ષ અગાઉ સમાન ગાળામાં 10.16 અબજ ડોલર હતી. એપ્રિલ, 2020થી ફેબ્રુઆરી, 2021 સુધીના ગાળામાં નિકાસ 12.23 ટકા ઘટીને 256.18 અબજ ડોલર રહી છે.
(સંકેત)