Site icon Revoi.in

વર્ષ 2021-22માં ભારતનો જીડીપી 7.5-12.5 % વચ્ચે રહેવાનું વિશ્વ બેંકનું અનુમાન

Social Share

નવી દિલ્હી: ભારત સહિત વિશ્વભરમાં કોરોનાની બીજી લહેરે કહેર વર્તાવ્યો છે ત્યારે વિશ્વ બેંકે વર્ષ 2021-22ના નાણાકીય વર્ષમાં ભારતનો જીડીપી દર 7.5 ટકાથી 12.5 ટકા વચ્ચે રહેવાની આગાહી કરી છે.

વિશ્વ બેંકના એક અધિકારીએ આ અનુમાન કર્યુ હતું પરંતુ જીડીપીના કોઇ ચોક્કસ આંકડા આપવાનો ઇનકાર કર્યો હતો. તેમનું કહેવું હતું કે 7.5 ટકાથી 12.5 ટકાની રેન્જ એટલા માટે રાખવામાં આવી છે કે, કોરોના સંક્રમણની રફતાર વધશે કે ધીમી પડશે તો આ આંકડામાં ફેરફાર થઇ શકે છે. એટલે આ રેન્જ રાખવામાં આવી છે.

જો કે અધિકારી અનુસાર, શક્ય છે કે ભારતનો વિકાસ દર 10 ટકા કરતા થોડો વધારે રહે.

આ દરમિયાન ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે વર્ષ 2021-22ના વર્ષમાં ભારતનો આર્થિક વિકાસનો દર 11.5ટકા રહેશે તેવું અનુમાન લગાવ્યું છે. જો કે હવે વર્લ્ડ બેંકે જે આંકડા આપ્યા છે તે IMF કરતા થોડા અલગ છે.

ભારતના મોટા ભાગના રાજ્યોમાં કોરોના સંક્રમણ ઝડપી ગતિએ ફેલાઇ રહ્યું છે જેને કારણે આર્થિક ગતિવિધિઓ પર તેની વિપરિત અસર પડી રહી છે. જેના કારણે અપેક્ષા જેટલી તેજી આર્થિક મોરચે હજુ જોવા નથી મળી રહી. ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ગ્રોથ નહીવત્ છે. ટ્રાવેલ, ટુરિઝમ, એવિએશન, રેસ્ટોરાં જેવા સર્વિસ સેક્ટરને પણ કોરોનાને કારણે અસર થઇ છે.

(સંકેત)