- માર્ચ મહિનામાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો વધ્યો
- જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો વધીને 7.39 ટકા નોંધાયો
- ફેબ્રુઆરી, 2021માં જથ્થાબંધ ફુગાવો 4.17 ટકા તેમજ માર્ચ, 2020માં 0.42 ટકા હતો
નવી દિલ્હી: ક્રૂડ અને લોખડના ભાવમાં વધારાને કારણે માર્ચ મહિનામાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો વધીને 7.39 ટકા નોંધાયો છે. જે 8 વર્ષની સર્વોચ્ચ સપાટી દર્શાવે છે. આપને જણાવી દઇએ કે, ફેબ્રુઆરી, 2021માં જથ્થાબંધ ફુગાવો 4.17 ટકા તેમજ માર્ચ, 2020માં 0.42 ટકા હતો.
આ અગાઉ, ઑક્ટોબર, 2020માં જથ્થાબંધ ફુગાવો 7.4 ટકા રહ્યો હતો. જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવામાં સતત ત્રીજા મહિને ઉછાળો જોવા મળ્યો છે.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના આંકડા અનુસાર, માર્ચ, 2021માં કઠોર, અનાજ અને ફળોના ભાવ વધવાને કારણે ખાદ્યાન્ન વસ્તુઓનો ફુગાવો વધીને 3.24 ટકા રહ્યો છે.
માર્ચ, 2021માં કઠોળના ભાવમાં 13.14 ટકા, ફળોના ભાવમાં 16.33 ટકા તેમજ અનાજના ભાવમાં 1.38 ટકાનો વધારો થયો છે.
જો કે માર્ચ, 2021માં શાકભાજીના ભાવમાં 5.18 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે ગયા મહિને શાકભાજીના ભાવમાં 2.90 ટકાનો ઘટાડો થયો હતો. માર્ચમાં ઇંધણ અને વીજળીના ભાવમાં 10.25 ટકાનો વધારો થયો છે. જ્યારે ફેબુ્રઆરીમાં ઇંધણ અને વીજળીના ભાવમાં માત્ર 0.58 ટકાનો વધારો થયો હતો.
માર્ચમાં મેન્યુફેકચરિંગ વસ્તુઓનો ફુગાવો 7.34 ટકા રહ્યો હતો. મંત્રાલયે જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવાના આંકડા જાહેર કરતા જણાવ્યું હતું કે ગયા વર્ષે માર્ચની સરખામણીમાં ચાલુ વર્ષે માર્ચમાં ક્રૂડ ઓઇલ, પેટ્રોલિયમ પેદાશો અને બેઝિક મેટલના ભાવમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે.
ઉલ્લેખનીય છે કે આ સપ્તાહની શરૃઆતમાં માર્ચ મહિનાના રીટેલ ફુગાવાના પણ આંકડા જાહેર કરવામાં આવ્યા હતાં. માર્ચ, 2021માં રીટેલ ફુગાવો વધીને 5.52 ટકા રહ્યો હતો.
(સંકેત)