- યસ બેંક હવે ટૂંક સમયમાં મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસમાંથી કરશે એક્ઝિટ
- આ માટે યસ બેંકે JPL ફાઇનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ સાથે કર્યા કરાર
- આ સોદો 8થી 12 મહિનામાં પૂર્ણ થઇ જશે તેવી બેંકને આશા
યસ બેંક હવે ટૂંક સમયમાં મ્યુચ્યુઅલ ફંડના બિઝનેસમાંથી એક્ઝિટ કરી રહી છે. આ માટે બેંકે એસેટ્સ મેનેજમેન્ટ એન્ડ ટ્રસ્ટી સબસિડિયરીની હિસ્સેદારી વેચી દીધી છે. નિયામકને કરાયેલા ફાઇલિંગમાં યસ બેંકે પોતાની સબસિડિયરી યસ એસેટ મેનેજમેન્ટ (ઇન્ડિયા) લિમિટેડ અને યસ ટ્રસ્ટી લિમિટેડની 100 ટકા ઇક્વિટીનું શેરહોલ્ડિંગ વેચવા માટે જેપીએલ ફાઇનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડની સાથે 21 ઑગસ્ટના રોજ અંતિમ કરાર કર્યા છે.
યસ બેંક અનુસાર જેપીએલ ફાઇનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડમાં 99 ટકા હિસ્સેદારી વ્હાઇટ ઓક ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડની છે. હાલ આ સોદા માટે રેગ્યુલેટરી મંજૂરીની રાહ જોવાઇ રહી છે. યસ એસેટ મેનેજમેન્ટ (ઇન્ડિયા) લિમિટેડ એ યસ મ્યુ.ફંડની એસેટ્સ મેનેજમેન્ટ કંપની છે, જ્યારે વાયટીએલ યસ મ્યુ.ફંડની ટ્રસ્ટી કંપની છે.
આ અંગે યસ બેંકનું માનવું છે કે આ ડીલ પૂર્ણ થતા જ તેમની બંને સબસિડિયરી યસ એસેટ મેનેજમેન્ટ (ઇન્ડિયા) લિમિટેડ અને વાયટીએલ બંધ થઇ જશે અને બેંક મ્યુ.ફંડ બિઝનેસમાંથી બહાર જથી રહેશે. અંતિમ સમજૂતી મુજબ સબસિડિયરી વેચાણનો આ સોદો 8થી 12 મહિનામાં પૂર્ણ થઇ જશે તેવી બેંકને આશા છે.
(સંકેત)