Site icon Revoi.in

ડુંગળીના ભાવ સ્થિર કરવા માટે સરકારે બફર સ્ટોકમાંથી 1.11 લાખ ટન ડુંગળી રીલિઝ કરી

Social Share

નવી દિલ્હી: દેશમાં પેટ્રોલ અને ડીઝલ બાદ હવે ડુંગળીની વધતી કિંમતો સામાન્ય જનતાને રડાવી રહી છે ત્યારે હવે સરકારે ડુંગળીની કિંમતોને અંકુશમાં રાખવા માટે બફર સ્ટોકમાંથી ડુંગળીનો જથ્થો મુક્ત કર્યો છે. આગામી ટૂંક સમયમાં તેનાથી રિટેલ બજારમાં ડુંગળીની કિંમતમાં ઘટાડો જોવા મળશે. અગાઉ સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી ઘટાડીને લોકોને રાહત આપી છે.

ડુંગળીના વધતા ભાવને નિયંત્રિત કરવા માટે ડુંગળીના બફોર સ્ટોકને મુક્ત કરવામાં આવ્યો છે. રીલિઝ કરતા ડુંગળીના ભાવ ગત વર્ષની તુલનાએ હવે સસ્તા છે. બફર સ્ટોક એ જે તે કેમોડિટીનો સંગ્રહેલો સ્ટોક છે જેનો ઉપયોગ કિંમતોમાં થતી વધઘટને સ્થિર કરવા માટે થાય છે.

દેશભરના મુખ્ય બજારોમાં બફર સ્ટોકમાંથી અત્યાર સુધીમાં 1.11 લાખ ટન ડુંગળી બહાર મુક્ત કરવામાં આવી છે. સરકારે દાવો કર્યો છે કે આ પગલાંથી ડુંગળીના છૂટક બજારના ભાવમાં પ્રતિ કિલો 5-12 રૂપિયાનો ઘટાડો થયો છે.

બફર સ્ટોકમાં રાખવામાં આવેલી ડુંગળીને દિલ્હી, કોલકાતા, લખનૌ, પટના, રાંચી, ગુવાહાટી, ભુવનેશ્વર, હૈદરાબાદ, બેંગલુરુ, ચેન્નાઈ, મુંબઈ, ચંદીગઢ, કોચી અને રાયપુર જેવા મોટા બજારોમાં મોકલવામાં આવી છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતના સ્થાનિક બજારોમાં પણ ડુંગળી સપ્લાય કરવામાં આવી છે.

ગ્રાહક બાબતોના મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ડુંગળીના ભાવ પણ બફર સ્ટોક દ્વારા સ્થિર થઈ રહ્યા છે. ડુંગળીના ભાવમાં ઘટાડો કરવા માટે કેન્દ્ર સરકારના પ્રયાસો હવે પરિણામ બતાવી રહ્યા છે. રાષ્ટ્રીય સ્તરે ડુંગળીની સરેરાશ છૂટક કિંમત 40.13 રૂપિયા પ્રતિ કિલો છે, જ્યારે જથ્થાબંધ બજારમાં તે 31.15 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ છે.