Site icon Revoi.in

દેશમાં વીજળીની માંગ વધી, ડિસેમ્બરમાં વપરાશ 4.5% વધીને 110.34 અબજ યુનિટ

Social Share

નવી દિલ્હી: ડિસેમ્બર મહિનામાં દેશમાં વીજ વપરાશ વધ્યો છે. કેલન્ડર વર્ષ 2021ના અંતિમ મહિના ડિસેમ્બરમાં વીજ વપરાશ 110.34 અબજ યુનિટ્સ થયો છે. જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળાની તુલનામાં 4.5 ટકા વધુ છે. ગત વર્ષે સમાન સમયમાં એટલે કે ડિસેમ્બર, 2020માં વીજ વપરાશ 101.08 અબજ યુનિટ હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, નવેમ્બર મહિનાની વાત કરીએ તો વીજ વપરાશ 2.6 ટકા વધીને 99.37 અબજ યુનિટ થયો છે. નવેમ્બર 2020માં તે 96.88 અબજ યુનિટ અને નવેમ્બર 2019માં 109.17 અબજ યુનિટ હતું. ઓક્ટોબર 2021માં દેશમાં વીજળીનો વપરાશ 3.3 ટકા વધીને 112.79 અબજ યુનિટ થયો હતો.

આ વર્ષે મે મહિનાની વાત કરીએ તો વીજ વપરાશ વાર્ષિક ધોરણે 6.6 ટકા વધીને 108.80 યુનિટ થયો હતો. મે, 2020માં તે 102.08 અબજ યુનિટ હતો. જૂનમાં વીજળીનો વપરાશ લગભગ 9 ટકા વધીને 114.48 અબજ યુનિટ થયો હતો.

મહત્વનું છે કે, ડિસેમ્બર, 2021માં પીક પાવર ડિમાન્ડ એટલે કે એક દિવસમાં મહત્તમ વીજ પુરવઠો વધીને 183.39 ગીગાવોટ થયો છે, જે ડિસેમ્બર, 2020માં 182.78 ગીગાવોટ અને ડિસેમ્બર, 2019માં 170.49 ગીગાવોટ હતો.