- પ્રાઇવેટ સેક્ટરની બેંક HDFCને મોટો આંચકો
- RBIએ બેંકની તમામ ડિજીટલ સેવાઓ પર રોક લગાવી
- HDFC બેંકની ડિજીટલ સેવામાં વારંવાર અડચણ બાદ RBIએ કરી કાર્યવાહી
નવી દિલ્હી: RBIએ પ્રાઇવેટ સેક્ટરની બેંક HDFCને મોટો આંચકો આપતા બેંકની તમામ ડિજીટલ સેવાઓ પર રોક લગાવી દીધી છે. RBIએ 2 ડિસેમ્બરે આદેશ જાહેર કરીને ઇન્ટરનેટ બેન્કિંગ, મોબાઇલ બેન્કિંગ અને પેમેન્ટ યૂટિલિટી સર્વિસ પર રોક લગાવી દીધી છે. તે ઉપરાંત સર્વોચ્ચ બેંકે HDFCના ગ્રાહકોને નવા ક્રેડિટ કાર્ડ ઇસ્યૂ કરવા પર પણ રોક લગાવી છે. ગત બે વર્ષમાં HDFC બેંકના ગ્રાહકોને ડિજીટલ સર્વિસમાં અનેક વાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે જેના કારણે RBIએ આ કાર્યવાહી કરી છે.
RBIએ આપેલા આદેશમાં કહ્યું છે કે હાલમાં બેંકનું ઇન્ટરનેટ બેન્કિંગ, મોબાઇલ બેન્કિંગ, પેમેન્ટ યૂટિલિટિઝમાં સતત અડચણો આવી રહી છે. છેલ્લા બે વર્ષથી આ પ્રકારની અડચણો આવી રહી છે. સાંપ્રત ઘટનામાં 21 નવેમ્બરે બેંકની ઇન્ટરનેટ સર્વિસ અને પેમેન્ટ સિસ્ટમમાં ગડબડ જોવા મળી હતી.
ભારતીય રિઝર્વ બેંકે આદેશમાં બેંકને સૂચના આપી છે કે હાલ અસ્થાયી એટલે કે ટેમ્પરરી રીતે ડિજીટલ સંબંધિત તમામ ગતિવિધિઓનું લોન્ચિંગ રોકી દો. HDFC બેંક પોતાની ડિજીટલ 2.0ને લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. જેમાં અનેક ડિજીટલ ચેનલ લોન્ચ થશે. આ વચ્ચે RBIનો આ આદેશ બેંક માટે મોટા આંચકા સમાન છે. તે ઉપરાંત અન્ય તમામ બિઝનેસ જનરેટિંગ આઇટી એપ્લિકેશનને પણ રોકવાના આદેશ આપવામાં આવ્યા છે.
(સંકેત)