- મોંઘવારીના ઉચ્ચ સ્તરને જોતા RBIનો MPC બેઠકમાં નિર્ણય
- RBIએ વ્યાજદરોમાં કોઇ ફેરફાર કર્યો નથી
- રેપો રેટ 4 ટકા અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા પર યથાવત્ રહેશે
નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંકની મોનેટરી પોલિસીની મંગળવારથી ચાલી રહેલી બેઠક બાદ આજે અગત્યની જાહેરાત કરવામાં આવી છે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસએ જાહેરાત કરી છે. રિઝર્વ બેંકે વ્યાજ દરોમાં કોઇ ફેરફાર નથી કર્યા. હાલમાં રેપો રેટ 4 ટકા અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા છે, કેશ રિઝર્વ રેશિયો 3 ટકા અને બેંક રેટ 4.25 ટકા છે.
RBI maintains status quo third time in a row; keeps benchmark lending rate unchanged at 4 pc
— Press Trust of India (@PTI_News) December 4, 2020
RBI દ્વારા આ નિર્ણય મોંઘવારીના ઉચ્ચ સ્તરને ધ્યાનમાં લઇને કરવામાં આવ્યો છે. રિટેલ ફુગાવો અત્યારના સમયમાં સંતોષજનક સ્તરની ઉપર છે. આપને જણાવી દઇએ કે આ સતત ત્રીજી વાર છે જ્યારે ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતાવાળી 6 સભ્યોની MPCએ રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં કોઇ ફેરફાર નથી કર્યો. રેપો રેટ 4 ટકા, રિવર્સ રેપો રેટ 3.35 ટકા, કેશ રિઝર્વ રેશિયો 3 ટકા અને બેંક રેટ 4.25 ટકાના સ્તરે યથાવત્ છે.
રિઝર્વ બેંકે કોરોના કાળ દરમિયાન રેપો રેટમાં 1.15 ટકાનો ઘટાડો કર્યો છે. માર્ચથી અત્યાર સુધી રિવર્સ રેપો રેટમાં 1.55 ટકાનો ઘટાડો કર્યો છે. 22 મેના રોજ રિવર્સ રેપો રેટ 0.40 ટકા ઘટાડીને 3.35 ટકા કરવામાં આવ્યો હતો. 22 મે બાદ દરોમાં કોઈ ફેરફાર નથી થયો. રેપો રેટ 4 ટકા અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા પર યથાવત્ રહ્યો હતો.
એક્સપર્ટ્સ મુજબ, ફુગાવો ઊંચો હોવાના કારણે રિઝર્વ બેંક નીતિગત દરોમાં ઘટાડો કરવાનું ટાળી શકે છે. ઉલ્લેખનીય છે કે, મોંઘવારી છેલ્લા અનેક મહિનાથી રિઝર્વ બેંકના સુવિધાજનક સ્તર 4 ટકાથી ઉપર રહી છે.
(સંકેત)