Site icon Revoi.in

ઓમિક્રોનના સંકટ વચ્ચે પણ દેશમાં ખાદ્યાન્નનું ફરી રેકોર્ડ ઉત્પાદન થવાની સંભાવના

Social Share

નવી દિલ્હી: ભારતમાં ફરીથી કોવિડના નવા વેરિએન્ટ ઓમિક્રોનનું પ્રસરણ ઝડપી ગતિએ ફેલાઇ રહ્યું છે. ઓમિક્રોન વેરિએન્ટના કેસમાં વધારો થઇ રહ્યો છે. આ સ્થિતિ છતાં ભારતમાં પાક વર્ષ 2021-22 દરમિયાન ખાદ્યાન્નનું રેકોર્ડ 3100 લાખ ટન ઉત્પાદન થવાની શક્યતા છે.

ખાસ કરીને ખાદ્યતેલોના ભાવમાં વધારો તેમજ સરકારે કૃષિ કાયદા રદ કરતા તેની ઉંડી અસર કૃષિ ક્ષેત્ર પર પડી છે. જૂનમાં સમાપ્ત થયેલા વર્ષ 2020-21 દરમિયાન દેશમાં ખાદ્યાન્નનું કુલ ઉત્પાદન રેકોર્ડ 3086.5 લાખ ટને પહોંચ્યું હતું. હવે ચાલુ પાક વર્ષ 2021-22 દરમિયાન દેશમાં ફરીવાર ખાદ્યાન્નનું ઉત્પાદન 3100 લાખ ટનની નવી ઉંચાઇએ પહોંચવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.

કોરોના મહામારીના કપરાં સમયગાળા વચ્ચે પણ ભારતીય કૃષિ ક્ષેત્ર એ દેખાવ કર્યો છે અને માર્ચ 2022ના રોજ સમાપ્ત થતા નાણાંકીય વર્ષમાં 3.5 ટકાનો વૃદ્ધિદર નોંધાવે તેવી અપેક્ષા છે.

કેન્દ્ર સરકારે ખેડૂતોના લાભ માટે ઘઉં, ચોખા, કઠોળ, કપાસ અને તેલીબિયાંની લઘુત્તમ ટેકાના ભાવે મોટા પ્રમાણમાં પ્રાપ્તિ કરી છે. વર્ષ 2020-21 દરમિયાન ટેકાના ભાવે ડાંગર અને ઘઉંની પ્રાપ્તિ અનુક્રમે 894.18 લાખ ટન અને 433.44 લાખ ટનના રેકોર્ડ સ્તરે પહોંચી હતી.