- દિવાળીના તહેવારોની મોસમમાં આર્થિક પ્રવૃત્તિઓમાં ધમધમાટના સંકેતો
- ફાસ્ટેગથી એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક 122 કરોડ રૂપિયાનું ટોલ કલેક્શન
- ગત તમામ દિવસોમાં કુલ આવકમાં વૃદ્વિ જોવા મળી છે
નવી દિલ્હી: દિવાળીના તહેવારોની મોસમ દરમિયાન આર્થિક પ્રવૃત્તિઓમાં તેજી અને પરિવહન સેવામાં પણ ધમધમાટના સંકેતો મળી રહ્યાં છે. હકીકતમાં, ફાસ્ટેગ મારફતે ટોલ કલેક્શન રૂ.122.3 કરોડનું નોંધાયું છે. જે કોઇ એક દિવસમાં અત્યારસુધીમાં નોંધાયેલું સૌથી વધુ રેકોર્ડબ્રેક ટેક્સ ક્લેક્શન છે.
આ ટ્રેન્ડ બીજી એ વાતના પણ સંકેતો આપે છે કે, અગાઉની તુલનામાં ગત તમામ દિવસોમાં કુલ આવકમાં વૃદ્વિ જોવા મળી છે.
નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એનએચએઆઇ)ના આંકડા મુજબ, અગાઉનું મહત્તમ કલેક્શન કોવિડ -19 ની બીજી લહેરનો કહેર શરૂ થયો તેની પહેલા 27 માર્ચે રૂ. 106.3 કરોડ નોંધાયુ હતું.
આંકડાઓ અનુસાર, એક સપ્તાહ પહેલા ટોલ ઑપરેટરો દ્વારા વસૂલાત કરતા યૂઝર્સ ચાર્જની તુલનામાં છેલ્લા સપ્તાહ દરમિયાન દૈનિક ટોલ કલેક્શનમાં 5 થી 8 ટકાનો વધારો થયો છે.
નેશનલ હાઇવે પરના તમામ 722 ટોલ પ્લાઝા અને રાજ્યના ધોરીમાર્ગો અથવા રસ્તાઓ પરના અન્ય 196 ટોલ પ્લાઝા માત્ર ફાસ્ટેગ મારફતે યુઝર ચાર્જ વસૂલે છે.
જો કુલ ટોલ કલેક્શનનું વર્ગીકરણ કરીએ તો તેમાંથી 82 ટકા રકમ લગભગ કોમર્શિયલ અને ભારે વાહનોમાંથી આવે છે, જ્યારે કાર-પેસેન્જર વાહનો 18 ટકા યોગદાન આપે છે.
નોંધનીય છે કે, હાઈવે પર વધારે ટ્રાફિક ઉપરાંત, ટોલ ચાર્જમાં વાર્ષિક વધારો અને ટોલિંગ સિસ્ટમ હેઠળ વધુ વિસ્તારો આવરી લેવા – આ પરિબળો પણ ટોલ ક્લેક્શનની વૃદ્ધિમાં સહાયરૂપ બન્યા છે.