Site icon Revoi.in

PNB કેસ: આર્થિક અપરાધી નીરવ મોદીની પત્ની વિરુદ્વ ઇન્ટરપોલે રેડ કોર્નર નોટિસ જારી કરી

Social Share

પંજાબ નેશનલ બેંકને રૂ.14000 કરોડનો ચૂનો લગાડીને વિદેશ ભાગી ગયેલા ડિફોલ્ટર અને ભાગેડુ આર્થિક અપરાધી નીરવ મોદીની પત્ની સામે ઇન્ટરપોલે લાલ આંખ કરી છે. ઇન્ટરપોલે ભાગેડુ નીરવ મોદીની પત્ની એમી મોદી વિરુદ્વ પણ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ રેડ કોર્નર નોટિસ જારી કરી છે. આપને જણાવી દઇએ કે એમી મોદી છેલ્લે વર્ષ 2019માં અમેરિકામાં દેખાઇ હતી અને હાલમાં તપાસ એજન્સીઓ તેની શોધખોળ કરી રહી છે.

ગત વર્ષે ફેબ્રુઆરીમાં ન્યૂયોર્ક શહેરમાં બે એપાર્ટમેન્ટની 3 કરોડ ડોલરની ખરીદીના મામલે લાભાર્થી હોવાના કારણે ઇડીએ સપ્લિમેન્ટરી ચાર્જશીટમાં એમી મોદીના નામનો ઉલ્લેખ કર્યો હતો.

ઇન્ટરપોલે જારી કરી ‘રેડ કોર્નર નોટિસ’

ઇડીની વિનંતી પર વૈશ્વિક પોલીસ સંસ્થા ઇન્ટરપોલે એમી મોદી વિરુદ્વ રેડ નોટિસ જારી કરી છે. એક વખત ભાગેડુ વિરુદ્વ જારી કરાયેલી આ પ્રકારની નોટિસ બાદ ઇન્ટરપોલ પોતાના 192 સભ્ય દેશોને જ્યારે આ વ્યક્તિ તેમના દેશમાં દેખાઇ આવે ત્યારે તેની ધરપકડ કરવા કે કસ્ટડીમાં લેવા માટે નિર્દેશ આપી શકે છે અને ત્યારબાદ તેના પ્રત્યાર્પણ કે ડિપોર્ટેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવે છે.

નોંધનીય છે કે, ભાગેડૂ નીરવ મોદીના ભાઇ નેહલ (બેલ્જિયમ નાગરિક) અને તેની બહેન પૂર્વી વિરુદ્ધ પણ રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવેલી છે.

(સંકેત)