નવા વર્ષે આ બેંકે ગ્રાહકોને આપી મોટી સોગાદ, 5 લાખ સુધીના IMPS પર કોઇ ચાર્જ નહીં લાગે
નવી દિલ્હી: સામાન્ય રીતે IMPS મારફતે પૈસાની લેવડદેવડ કરવા પર બેંક દ્વારા ખાતાધારકો પાસેથી ચાર્જની વસૂલાત કરવામાં આવે છે. જો કે હવે SBIએ પોતાના ગ્રાહકોને નવા વર્ષની ભેટ આપી છે. હવેથી નેટ બેન્કિંગ કે મોબાઇલ બેન્કિંગ દ્વારા 5 લાખ રૂપિયા સુધીના IMPS ટ્રાન્સફર પર કોઇ ચાર્જ નહીં લાગે. જો કે બ્રાન્ચથી IMPS કરશો તો ચાર્જ આપવો પડશે.
બેંકે પોતાના એક નિવેદનમાં જણાવ્યું કે, મોબાઇલ બેન્કિંગ, ઇન્ટરનેટ બેન્કિંગ કે યોનો એપ દ્વારા 5 લાખ સુધીના IMPS ટ્રાન્સફર પર બેંક કોઇ ચાર્જની વસૂલાત નહીં કરે. જો કે બ્રાંચ પર જઇને IMPS દ્વારા 2 લાખ રૂપિયા સુધીના ટ્રાન્સફર પર જે 20 રૂપિયા ચાર્જ ઉપરાંત જીએસટી ચાર્જ આપવો પડે છે તેની વસૂલાત યથાવત્ રહેશે.
આપને જણાવી દઇએ કે, SBI બ્રાન્ચ પરથી 1 હજાર રૂપિયા સુધીના IMPS ટ્રાન્સફરનો કોઈ જ ચાર્જ નથી લેતી. જ્યારે 1 હજાર રૂપિયાથી લઈને 10 હજાર રૂપિયા સુધીની ટ્રાન્સફર પર 2 રૂપિયા પ્લસ જીએસટી, 10 હજાર રૂપિયાથી 1 લાખ રૂપિયા સુધીની ટ્રાન્સફર પર 4 રૂપિયા પ્લસ જીએસટી અને 1 લાખ રૂપિયાથી લઈને 2 લાખ રૂપિયા સુધીની ટ્રાન્સફર પર 12 રૂપિયા પ્લસ જીએસટી ચાર્જ વસૂલવામાં આવે છે.
મહત્વનું છે કે, પૈસાની લેવડદેવડ માટે જો કોઇ સૌથી વધુ સહેલી અને સરળ રીત હોય તો તે IMPS સેવા છે. IMPS સેવા મારફતે બેંકના ખાતાધારક કોઇપણ દિવસે 24 કલાક દરમિયાન ગમે ત્યારે એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં સરળતાપૂર્વક પૈસા ટ્રાન્સફર કરી શકે છે.