Site icon Revoi.in

ભારતની મદદ બાદ શ્રીલંકાએ 50 કરોડ ડોલરના સોવરિન બોન્ડની કરી ચૂકવણી

Social Share

નવી દિલ્હી: ભારતનો પાડોશી દેશ એવો શ્રીલંકા દેવાના ડુંગર હેઠળ દબાયેલું છે. આર્થિક સંકટમાંથી પસાર થયેલા શ્રીલંકાને પૈસા ઉધારી આપીને ચીને દેવાના ડુંગર હેઠળ દબાવ્યા બાદ હવે ડિફોલ્ટ થવાને આરે હતું ત્યારે ભારતે પાડોશી દેશની મદદ કરતા માંડ માંડ શ્રીલંકા એક આંતરરાષ્ટ્રીય ચૂકવણીમાં ડિફોલ્ટ ટાળી શક્યું છે.

શ્રીલંકાએ આંતરરાષ્ટ્રીય સોવરિન બોંડ પેટે 50 કરોડ ડોલરની ચૂકવણી કરી છે. આ સાથે શ્રીલંકાએ વિદેશી હૂંડિયામણની કટોકટી વચ્ચે મોટું ડિફોલ્ટ ટાળવામાં સફળતા મેળવી છે. જો કે શ્રીલંકાના આ ડિફોલ્ટ ટાળવામાં ભારતની મદદ કામે લાગી છે. ગત સપ્તાહે ભારતે શ્રીલંકાને 90 કરોડ ડોલરની લોન આપી હતી.

આ અંગે સેન્ટ્રલ બેંક ઑફ શ્રીલંકાના ગવર્નર અજિત કેબ્રાલે કહ્યું કે, શ્રીલંકાએ આજે મેચ્યોર થતા 50 કરોડ ડોલરના સોવરિન બોન્ડની ચૂકવણી કરી છે.

આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સીઓએ મંગળવારના રોજ શ્રીલંકાની 50 કરોડ ડોલરની પાકતી મુદતની સહિત કુલ 1.5 અબજ ડોલરની આંતરરાષ્ટ્રીય સોવરિન બોન્ડની ચૂકવણી અંગે શંકા વ્યક્ત કરી હતી. દેશમાં વિદેશી હૂંડિયામણની કટોકટીને ધ્યાનમાં રાખીને, વેપારી સમુદાય, આર્થિક વિશ્લેષકો અને વિપક્ષી રાજકારણીઓએ 2012માં જારી કરાયેલા આ બોન્ડની ચુકવણીને સ્થગિત કરવાની અપીલ કરી હતી.