- MNP વાળા ગ્રાહકોને આકર્ષક ટેરિફ આપતી ટેલિકોમ કંપનીઓ પર ટ્રાઇ સખ્ત
- ટ્રાઇએ કંપનીઓના આ વલણ પર લગાવી રોક
- TRAI અનુસાર આ મુદ્દે કોઇપણ પ્રકારનો ભેદભાવ ના કરી શકાય
નવી દિલ્હી: મોબાઇલ નંબર પોર્ટેબિલિટી (MNP) અંતર્ગત આવતા નવા ગ્રાહકો માટે અલગ ટેરિફ રાખવાના ટેલિકોમ કંપનીઓના વલણ સામે દૂરસંચાર નિયામક ટ્રાઇએ લાલ આંખ કરી છે. ટ્રાઇએ કંપનીઓના વલણ પર રોક લગાવી છે. TRAI અનુસાર આ મુદ્દે કોઇપણ પ્રકારનો ભેદભાવ ના કરી શકાય.
મોટે ભાગે નંબર પોર્ટેબિલિટીની સુવિધા હેઠળ પોતાનું સિમકાર્ડ લેવા માટે કંપનીઓ ગ્રાહકોને આકર્ષક ટેરિફ ઑફર કરતી હોય છે. આ લોભામણી ટેરિફની જાહેરાતોથી આકર્ષિત થઇને પોતાનો ઑપરેટર છોડીને બીજા પાસે જાય છે. કારણ કે હવે સિમકાર્ડની ઉપલબ્ધતા ખૂબ સરળ થઇ ચૂકી છે.
TRAIએ ટેલિકોમ કંપનીઓના આ વલણથી નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે, બીજા સર્વિસ પ્રોવાઇડર્સથી પોર્ટ થતા ગ્રાહકોને અલગ ટેરિફ આપવું માન્ય નથી તેમજ અયોગ્ય છે. આ પ્રકારના વર્ગીકરણનો સ્પષ્ટ ઇરાદો હરીફોને નુકસાન પહોંચાડવાનો છે. આ ભેદભાવયુક્ત તેમજ નિયમોથી વિરુદ્વ છે.
ટ્રાઇએ ટેલિકોમ કંપનીઓને માત્રને માત્ર એક જ ટેરિફ ઑફર કરવા કહ્યું છે જેની જાણકારી તેમણે ટ્રાઇને આપેલી છે. ટ્રાઇએ જણાવ્યું કે, તમામ પ્રકારના ટેરિફ ટ્રાઇના નિયમો/નિર્દેશો/આદેશોને અનુરૂપ હોવા જોઇએ. ટ્રાઇના આદેશનું અનુપાલન સુનિશ્વિત કરવાની જવાબદારી સર્વિસ પ્રોવાઇડરની હશે.
ટ્રાઈએ જણાવ્યું કે, કેટલાક સર્વિસ પ્રોવાઈડર્સ તરફથી આ પ્રકારની ફરિયાદો મળી છે જેમાં તેઓ એક-બીજા પર આ પ્રકારના આરોપ લગાવે છે કે, તેમનો પ્રતિદ્વંદી એમએનપી માટે ખાસ ટેરિફ આપી રહ્યો છે.