Site icon Revoi.in

દિલ્હી દારુ કૌભાંડ સાથેના સંબંધિત કેસમાં એક ઉદ્યોગપતિની EDએ ધરપકડ કરી

Social Share

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ હૈદરાબાદ સ્થિત ઉદ્યોગપતિ અરુણ પિલ્લઈની દિલ્હી દારૂ કૌભાંડ સાથે સંબંધિત કેસમાં દિલ્હીથી ધરપકડ કરી છે. તેમની તપાસનીશ એજન્સીએ પૂછપરછ આરંભી છે, તેમને કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મેળવવાની કવાયત શરૂ કરવામાં આવી છે. દિલ્હી દારૂ કૌભાંડ સાથે જોડાયેલા કેસમાં સીબીઆઈએ તાજેતરમાં દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. સાત દિવસની સીબીઆઈ કસ્ટડી બાદ તેમને હાલ ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યાં હતા.

દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટે સિસોદિયાને 20 માર્ચ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. સીબીઆઈના રિમાન્ડ પૂરા થયા બાદ સિસોદિયાને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરાયા હતા. સુનાવણી બાદ સિસોદિયાને પોલીસ સુરક્ષામાં તિહાર જેલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમને ગીતા, ડાયરી અને પેન રાખવાની છૂટ આપવામાં આવી હતી. મેડિકલ રિપોર્ટના આધારે દવાઓ રાખવાની પણ મંજૂરી આપવામાં આવી છે. એક ઉચ્ચ અધિકારીની પૂછપરછમાં સિસોદીયાની સંડોવણી સામે આવી હતી.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હી દારૂ કૌભાંડ સાથે જોડાયેલા એક કેસમાં બિઝનેસમેન અને બ્રિન્ડકો સેલ્સ પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર અમનદીપ ધલની પણ ધરપકડ કરી છે. દિલ્હી એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસના સંદર્ભમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. તપાસનીશ એજન્સીએ ઉદ્યોગપતિ અરૂણ પિલ્લઈની આગવી ઢબે પૂછપરછ કરવામાં આવી રહી છે. આ કેસમાં હજુ ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. તેમજ આગામી દિવસોમાં અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.