Site icon Revoi.in

ડુંગળીની નિકાસબંધી કરીને ખેડુતોના મોંમાં આવેલો કોળીયો BJP સરકારે ઝૂંટવી લીધો છેઃ શક્તિસિંહ

Social Share

અમદાવાદઃ  કેન્દ્ર સરકારે ગત તા. 8 ડિસેમ્બરે ડૂંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો છે. જેને લીધે ખેડુતોને ડૂંગળીના યોગ્ય ભાવ ન મળતાં  વિરોધ ઊભો થયો છે. ત્યારે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકવાની કેન્દ્ર સરકારની નીતિરીતિનો વિરોધ કરતા જણાવ્યું હતું કે, ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકાતા શિયાળુ ડુંગળી પકવતા ખેડૂતો માટે પારાવાર મુશ્કેલી ઉભી થઇ છે.  ખેડૂતના ઘરમાં જ્યારે ખેત પેદાશ આવે ત્યારે એવી નીતિ હોવી જોઈએ કે એમને સારા ભાવ મળી રહે અને પછી સંગ્રાહખોરો ફાયદો ના લે. એટલે સરકારની નીતિ એવી હોવી જોઈએ કે સંગ્રહાખોરોના ઘરમાં માલ હોય ત્યારે મોંઘવારી ના નડે અને ઉપભોક્તાને તકલીફ ના પડે, પરંતુ આ સરકાર કંઇક વિચિત્ર નિર્ણય કરી રહી છે.

તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, શિયાળુ પાક પકવતા ખેડૂતોના ઘરમાં ડુંગળી આવી છે અને એ સમયે નિકાસબંધી કરી ખેડૂતોના મોઢામાં આવેલો કોળીયો ઝુંટવી લેવાનું કામ કર્યું છે. મેં બે દિવસ પહેલા જ વડાપ્રધાન મોદીને વિનંતી કરી હતી. કે, તાત્કાલિક ડુંગળીની  નિકાસબંધી હટાવી દો, જેથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે અને જો તમારે નિકાસબંધી ના હટાવવી હોય તો તમે ડુંગળીની નિકાસબંધી કરી ત્યારે જે ભાવ ખેડૂતને મળતો હતો તે ભાવથી સરકારે ડુંગળીની ખરીદી કરવી જોઈએ. સરકાર કોલ્ડસ્ટોરેજમાં રાખે, પ્રોસેસિંગ યુનીટમાં પ્રોસેસિંગ કરાવે અને ખેડુતો પાસેથી ડુંગળીની ખરીદી કરવી જોઈએ

તેમણે ઉમેર્યું હતું કે, ખેડૂતો પાસે  કોલ્ડસ્ટોરેજ નથી, અને ડુંગળી એવી ખેતપેદાશ છે કે જે ઘરમાં લાંબો સમય રાખી શકાતી નથી. ડુંગળી પેરીશેબલ ફૂડ કહેવાય એટલે કે જે બગડી જાય, ખરાબ થઇ જાય, નાશ પામે એ પ્રકારની વસ્તુ છે, ત્યારે ડુંગળી પકવતા ખેડૂતોને નુકશાન ના થાય એવી સરકારની નીતિ હોવી જોઈએ. ભૂતકાળમાં ગયા વખતે પણ એવું જ થયું હતું કે ખેડૂતોને ખુબ સારા દિવસો લાગતા હતા. 2400/2600 રૂપિયા 20 કિલો કપાસનો ભાવ હોય અને અચાનક સરકારે નિકાસબંધી કરીને નીતિ એવી કરી નાખી કે 2400 કે 2660 એ 20 કિલોનો ભાવ પહોચેલો કપાસ ધડામ દઈને 1500/1600 રૂપિયે 20 કિલો પર આવી ગયો હતો.