નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી બાદ હવે રાજ્યસભાની પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ભારતના ચૂંટણી પંચે રાજ્યસભાની છ ખાલી બેઠકો માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ બેઠકો પર 20 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે. પરિણામ એ જ દિવસે જાહેર કરવામાં આવશે. જે સીટો પર ચૂંટણી યોજાવા જઈ રહી છે તેમાંથી ત્રણ સીટો આંધ્રપ્રદેશની છે. આ સિવાય પશ્ચિમ બંગાળ, હરિયાણા અને ઓડિશામાં એક-એક સીટ પર ચૂંટણી યોજાઈ રહી છે. વર્તમાન સાંસદોના રાજીનામા બાદ તમામ બેઠકો ખાલી પડી હતી.
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર પેટાચૂંટણી સંબંધિત નોટિફિકેશન 3 ડિસેમ્બરે બહાર પાડવામાં આવશે. નોમિનેશન માટેની છેલ્લી તારીખ 10 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે. 11મી ડિસેમ્બરે નામાંકનની ચકાસણી કરવામાં આવશે. ઉમેદવારો 13મી ડિસેમ્બર સુધી નામાંકન પરત ખેંચી શકશે. 20 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે અને તે જ દિવસે પરિણામ જાહેર થશે. ચૂંટણી પંચે આ બેઠકો પર 24 ડિસેમ્બર પહેલા ચૂંટણી કરાવવાની હતી.
અગાઉ મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે મતદાન થયું હતું અને ઝારખંડમાં બે તબક્કામાં (13 અને 20 નવેમ્બર) મતદાન થયું હતું. તેનું પરિણામ 23 નવેમ્બરે આવ્યું હતું. મહારાષ્ટ્રમાં ભાજપ, શિવસેના અને એનસીપીના મહાગઠબંધનને જંગી જીત મળી હતી. જ્યારે, ઝારખંડમાં, ઈન્ડી ગઠબંધન એ સત્તા જાળવી રાખી છે. તેમજ બંને રાજ્યમાં નવી સરકારની રચનાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઝારખંડમાં હેમંત સોરને સરકાર રચવા માટે દાવો કર્યો છે.