અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનો 11મી માર્ચથી પ્રારંભ થયો હતો. અને પરીક્ષા પૂર્ણ થવાની તૈયારીમાં છે. બીજીબાજુ આ વખતે પરીક્ષાના બીજા દિવસથી ઉત્તરવહીઓનું મૂલ્યાંકન કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી 7મી મેના રોજ યોજાશે. તે પહેલા જ એટલે કે એપ્રિલ મહિનામાં જ ધોરણ 10 અને 12ના પરીણામો જાહેર કરી દેવાની બોર્ડની ગણતરી છે. મૂલ્યાકન કાર્ય પુરૂ થતાં જ ડેટા અન્ટ્રીનું કામ શરૂ કરી દેવામાં આવશે. અને વધુ ડેટા ઓપરેટરોને કામે લગાડીને પરિણામ તૈયાર કરવાનું કામ નિર્ધારિત સમયે આટોપી લેવાશે.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના પદાધિકારીઓની તાજેતરમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધિકારીઓ સાથે મિટિંગ યોજાઈ હતી. જેમાં આગામી તારીખ 24, 25 માર્ચના રોજ હોળી ધુળેટીના તહેવારમાં મૂલ્યાંકન કાર્યમાં જોતરાયેલા શિક્ષકોને રજા આપવાની માગ કરવામાં આવી હતી. જે અન્વયે ધૂળેટીના દિવસે જાહેર રજા હોવાથી મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર બંધ રાખવાની સૂચના અપાશે તેવી બાંહેધરી આપવામાં આવી હતી. હોળીના દિવસે સ્થાનિક અનુકૂળતા અનુસાર સવારનો સમય, બોર્ડની મંજૂરીની કાર્યવાહી કરી નક્કી કરી શકાશે. લોકસભાની ચૂંટણીને લીધે ધોરણ 10 અને 12ની પરીક્ષાના પરિણામો એપ્રિલમાં જાહેર કરી દેવાની ગણતરી હોવાથી ઉત્તરવહીઓના મૂલ્યાંકન કાર્યને નિર્ધારિત સમયે આટોપી લેવાશે. તેની માહિતી પણ આપવામાં આવી હતી.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ધોરણ 10 તથા 12 ની બોર્ડ પરીક્ષામાં તમામ શિક્ષક અને કર્મચારીઓના મહેનતાણા વધારવા માટે પણ રજૂઆત થઈ હતી. સાથે સાથે શાળામાં આપવામાં આવતા વિદ્યાર્થી દીઠ ખર્ચ વધારવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી. સીડીની જગ્યાએ એક્સટર્નલ હાર્ડ ડિસ્ક કે પેન ડ્રાઈવનો ઉપયોગ કરી આધુનિકતા અપનાવવા પણ સૂચન કરાયુ હતુ. જે અંગે આગામી વર્ષથી યોગ્ય કાર્યવાહી તથા વિચારણા કરી નિર્ણય થશે. સામાન્ય પ્રવાહ(કોમર્સ)માં નામાના મૂળતત્વો પ્રશ્નપત્રમાં સેબીની સ્થાપનાનું વર્ષ પ્રશ્નની વિસંગતતા અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી.
આ વખતે લોકસભાની ચૂંટણી 7 મી મે યોજાવાની હોય બોર્ડની પરીક્ષાના પેપરની ચકાસણીનો આરંભ થઇ ગયો છે અને એપ્રિલ મહિનામાં બોર્ડની પરીક્ષાના પરીણામ પણ જાહેર કરી દેવામાં આવશે.