અમદાવાદઃ રાજ્યના પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા ટેક્સબુકો અભ્યાસક્રમ મુજબ છાપીને તેનું વિતરણ કરવામાં આવતું હોય છે. ઘણીવાર ટેક્સબુકમાં છપાયા બાદ ક્ષતિઓ જોવા મળતી હોય છે. જેમાં 2013થી પ્રકાશિત થયેલા ધોરણ 7ના ગુજરાતીના પુસ્તકમાં પાઠ્યપુસ્તક મંડળની ગંભીર બેદરકારી જોવા મળી છે. ગુજરાતી વિષયના પુસ્તકમાં મનુબેન ગાંધીની જગ્યાએ કસ્તુરબા ગાંધીની તસવીર છાપી છે. મનુબેન ગાંધી ગાંધીજીના પિતરાઈ ભાઈના પૌત્રી છે. આશ્વર્યની બાબત તો એ છે. કે, 10 વર્ષ અગાઉ છપાયેલા પુસ્તકમાં હજુ સુધી સુધારો કરવામાં આવ્યો નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં ધોરણ 7માં ભણી રહેલા વિદ્યાર્થીઓને 10 વર્ષથી ખોટા ભણાવવામાં આવી રહ્યા છે. પાઠ્યપુસ્તક મંડળના કારણે વિદ્યાર્થીઓ ખોટું જ્ઞાન લઈ રહ્યા છે. ધોરણ 7ના ગુજરાતી વિષયમાં મનુબેન ગાંધીની તસવીરની જગ્યાએ કસ્તુરબા ગાંધીની તસવીર છાપી છે. પ્રથમ સત્રમાં પાઠ ક્રમાંક 4માં લેખક મનુબેન ગાંધી છે, પરંતુ તસવીર ગાંધીજીના પત્નીની છપાઈ છે. આ ઉપરાંત મનુબેન ગાંધીના પિતાનું નામ જયસુખલાલ હતું, જેની જગ્યાએ જશવંતલાલ નામ લખવામાં આવ્યું છે. આ ક્ષતિ અંગે કેટલાક ગાંધીવાદી શિક્ષકોએ પાઠ્ય પુસ્તક મંડળનું ધ્યાન પણ દોર્યું હતું. છતાં 2013થી એટલે કે 10 વર્ષથી ગુજરાતી ભાષામાં આ પુસ્તક આવી રહ્યું છે, છતાં તેમાં સુધારો કરવામાં આવ્યો નથી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, પાઠ્યપુસ્તક મંડળની બેદરકારીના કારણે વિદ્યાર્થીઓને ખોટા પાઠ ભણાવવામાં આવી રહ્યા છે. એક તરફ માતૃભાષાના અભ્યાસ પર સરકાર ભાર મૂકી રહી છે, ત્યારે માતૃભાષાના પુસ્તકમાં જ 10 વર્ષથી છબરડો છે છતાંયે સુધારો કરવામાં આવતો નથી. આ અંગે ગાંધીવાદી અમૃતભાઈએ જણાવ્યું હતું કે, પુસ્તકમાં ભૂલ છે. મનુબેનની જગ્યાએ કસ્તુરબાનો ફોટો છાપયો છે. મનુબેનના પિતાનું નામ પણ ખોટું લખ્યું છે. જયસુખલાલની જગ્યાએ જશવંતલાલ નામ લખવામાં આવ્યું છે. પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા વહેલી તકે આ ક્ષતિ દુર કરવામાં આવે તેવી માગ ઊઠી છે.