ગાંધીનગરઃ ગુજરાતમાં જૂનના અંત સુધીમાં છેલ્લાં ત્રણ વર્ષથી વાવણીલાયક વરસાદ પડી જતો હોય છે પણ આ વર્ષે અનિયમિત અને ઓછો વરસાદ પડ્યો હોવાથી વાવણી 13 ટકા ઘટી ગઇ છે. ગુજરાત સરકારે જૂન અંત સુધીના રજૂ કરેલા વાવેતરના આંકડાઓ નોંધપાત્ર નીચાં છે. મગફળીના વાવેતર ઘણા પાછળ રહી ગયા છે તો કપાસમાં પણ ઉંચા ભાવ છતાં ખાસ પ્રગતિ હજુ જોવા મળી નથી. ગુજરાતમાં 25.02 લાખ હેક્ટરમાં વિવિધ પાકોનું વાવેતર થયું છે. જે ગયા વર્ષે જૂનના અંતે 28.44 લાખ હેક્ટરમાં હતુ.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં મગફળી અને કપાસ મુખ્ય પાક ગણાય છે પરંતુ બન્નેમાં ટોચના ભાવ હોવા છતાં વાવેતર નબળા છે. મગફળીનું વાવેતર ગયા વર્ષે જૂનના અંતે 12.36 લાખ હેક્ટરમાં થયું હતુ. જે અત્યારે ફક્ત 9.99 લાખ હેક્ટર સુધી પહોંચ્યું છે. સરેરાશ 16.95 લાખ હેક્ટર વાવેતર થાય છે. મગફળીનો ભાવ ખાસ્સો સમય ટેકા કરતા ઉંચો રહ્યો હતો. સીંગતેલની નિકાસ અને સરકારી ખરીદીને લીધે ખેડૂતોને સારાં ભાવ મળ્યા હતા એટલે વાવેતર જળવાશે તેવી આશા હતી. પરંતુ અત્યારે ઉનાળુ મગફળી સસ્તામાં વેચાય છે અને મગફળી કરતા કપાસ અને સોયાબીનમાં વધારે વળતર દેખાતા ખેડૂતો તે તરફ વળતા હોય એવું જણાય છે. ખેડૂતો કહી રહ્યા છે કે, વરસાદ વિના વાવેતર મુશ્કેલ છે. હજુ સુધી સારો અને વાવણીલાયક કહી શકાય તેવો વરસાદ થયો નથી. જુલાઇના આરંભથી વરસાદની આગાહી છે એટલે જો સારો વરસાદ થાય તો 15 જુલાઇ સુધી મગફળીના વાવેતરનો હજુ સમય છે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે,કપાસનો વિસ્તાર તેજી છતાં પાછલા વર્ષ કરતા ઉંચકાયો નથી. ગયા વર્ષે 11.66 લાખ હેક્ટરમાં વાવણી હતી. તેના સ્થાને 11.46 લાખ હેક્ટરમાં વાવેતર છે. સોયાબીનનું વાવેતર વધારે દેખાયું છે. ગુજરાતમાં 1.28 લાખ હેક્ટર જેટલી વાવણી થતી હોય છે. તેની સામે જૂનના અંત સુધીમાં 41,229 હેક્ટરમાં વાવેતર છે. પાછલા વર્ષે આ સમયે 40,659 હેક્ટરમાં વાવેતર હતુ. ડાંગરનું વાવેતર પાછલા વર્ષની તુલનામાં વધારે થયું છે. પાછલા વર્ષના 18,401 હેક્ટરની સામે 24,566 હેક્ટરમાં વાવણી થઇ છે. બાજરીનું વાવેતર 26,218 સામે 15,197 હેક્ટરમાં થયું છે. મકાઇ અને જુવારના વાવેતર અનુક્રમે 31,188 અને 2,543 હેક્ટરમાં થયા છે.
કઠોળમાં તુવેરનો વાવેતર વિસ્તાર વધી ગયો છે. સરેરાશ 2.32 લાખ હેક્ટરમાં વાવેતર થાય છે. તેની તુલનાએ આ વર્ષે 33,980 હેક્ટરમાં વાવેતર છે. ગયા વર્ષમાં 15,209 હેક્ટરમાં વાવેતર થયું હતુ. મગનો વિસ્તાર ઘટીને 4,622 હેક્ટર પર આવી ગયો છે. અડદનું વાવેતર 6,397થી ઘટતા 5,210 હેક્ટર સુધી આવી ગયું છે. આ વર્ષે કઠોળના ટેકાના ભાવમાં વધારો થયો છે પણ મગ અને અડદ જેવા પાકોમાં બગાડ ખૂબ થતો હોવાથી ખેડૂતો વાવેતર કરતા ખચકાઇ રહ્યા છે.